અબલોડ ગામે કૂવામાં પડી જતાં ત્રણ બહેનોના મૃત્યુ

વડોદરા, તા.3 : દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અબલોડ ગામમાં એક જ પરિવારની ત્રણ બહેનો રમતા - રમતા કૂવામાં પડી જતાં ત્રણેય બહેનોના મૃત્યુ થતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેય બહેનોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ દેવગઢ બારિયા તાલુકાના અબલોડ ગામમાં ગુરૂવારે રાત્રે એક જ પરિવારની ત્રણેય બહેનો રમતા - રમતા કૂવામાં પડી ગઇ હતી. ત્રણેય બહેનો ઘરમાં ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્રણેય બહેનો મળી આવી ન હતી. શુક્રવારે સવારે ત્રણેય બહેનોના મૃતદેહ કૂવાના પાણીમાં તરીને ઉપર આવી ગયા હતા. જેથી પરિવારજનોને આ બાબતની જાણ થતાં ત્રણેય બહેનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્રણેય બહેનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલ ખાતે મોકલી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer