સૌરાષ્ટ્રમાં લોકડાઉન ભંગના વધુ 175 ગુના નોંધાયા

 રાજકોટમાં 64, વઢવાણમાં 59, જૂનાગઢમાં 10, મોડાસામાં 14, પોરબંદરમાં 27 ગુના નોંધાયા
રાજકોટ, તા. 3: સૌરાષ્ટ્રમાં લોકડાઉન અને જાહેરનામા વગેરેનો ભંગ કરવા અંગે વધુ 175 જેટલા ગુના નોંધાયા છે.
રાજકોટ શહેરમાં લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરીને ઘર બહાર વાહન લઇને ટેલહવા નીકળતા લોકો સામે 64 જેટલા ગુના નોંધાયા છે જેમાં માસ્ક નહીં પહેરવા, અંતર નહીં રાખવા,  કારણ વગર ઘરની બહાર નીકળવા , ખોટા કારણોસર વાહન લઇને નીકળવા સહિતના આરોપસરના ગુના નોંધવામાં આવ્યા છે.
મોરબી: અહીંના નહેરૂ ગેઇટ વિસ્તારમાં આજે સામાન્ય દિવસ જેવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. વાહનોની લાંબી કતારો લાગી હતી. બાદમાં પોલીસ મેદાનમાં આવી હતી. 36 સામે જાહેરાનામાના ભંગના ગુના નોંધી 45  વાહનો ડિટેઇન કર્યા હતા.
વઢવાણ: સુરેન્દ્રનગર અને વઢવાણમાં બિનજરૂરી ખોટા બહાના બતાવીને ઘરની બહાર લટાર મારવા નીકળેલા 59 લોકો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ડ્રોનની નજરે ચડેલા છ સહિત દસ શખસ સામે લોકડાઉનના ભંગના ગુના નોંધીને 67 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેર અને જિલ્લામાં લોકો શેરી અને મહોલ્લામાં ડાયરા કરી રહ્યા  હોય તેને શોધી કાઢવા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. બાદમાં ફૂટ પેટ્રોલિંગ કરીને છ લોકોને શોધી કાઢયા હતાં. તેની સામે ગુના નોંધવામાં આવ્યા હતાં.
 દેશમાં કોરોના વાયરસનો કહેર છવાયેલ છે. આ મહામારીમાંથી લોકોને ઉગારવા લોકડાઉન લદાયો છે ત્યારે સોશ્યલ મીડિયામાં કેટલાક લોકો ભય ફેલાવતા હોય આવા મેસેજ વાયરલ કરતા જૂનાગઢના ત્રણ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
અહીનાં જોષીપરાના હંસરાજવાડી-2માં રહેતા રાજેશ નરસીભાઈ સથવારા (ઉ.41) તથા મો. 99799 88022ના ધારકે હાલના સંવેદનશીલ માહોલમાં જાહેર શાંતિ ડહોળવાના ઇરાદે બે કોમો વચ્ચે વૈમનશ્ય ઉભું થાય અને ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાની ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે.
15 જેટલાં વાહનો ડિટેઇન કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 24 કલાકમાં 55 બાઇકો ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલા: અહીંના માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચવા અને ખરીદવા આવેલા લોકોએ માસ્ક પહેરેલ ન હોય અને સોશિયલ ડિસ્ટન્સ રાખેલ ન હોય તેની સામે નગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. ચીફ ઓફિસર પી.જી. ગોસ્વામી અને તેના સ્ટાફના આનંદભાઇ સરૈયા, હિતેષ રવાણી તેની ટીમ દ્વારા 1700નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોરબંદર: પોરબંદરમાં સુતારવાડામાં ગ્રાહકોના ટોળા ભેગા કરનાર ત્રણ વેપારી સામે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારણ વગર બહાર નીકળનાર અને માસ્ક નહીં પહેરનાર સહિત 27 લોકો સામે કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી.
મોડાસા:  મોડાસામાં ડ્રોનની મદદ લઇને કરાયેલા ચેકિંગમાં ક્રિકેટ રમતાં નવ શખસને ઝડપી લેવાયા હતાં જ્યારે બાયડના આબંલિયાપરામાં ડેરી સામે બેઠેલા પાંચ શખસને પકડી પાડવામાં આવ્યા હતાં.
જામનગર: જામનગર પોલીસે પેટ્રોલીંગ અને ડ્રોનની મદદથી  લોકડાઉનનો ભંગ કરનાર 21 શખસને ઝડપી લીધા હતાં.
અમરેલી: અમરેલી જિલ્લામાં 39ચેક પોસ્ટ ઉભી કરીને કાયદાનો ભંગ કરનાર 150 જેટલા શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. 180 જેટલા વાહન ડિટેઇન કરાયા છે. 75 જેટલા યુવાન પોલીસ મિત્ર બનીને આકારા તાપમાં  નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. પોલીસનો ડર રાખ્યા વગર કેટલાય લોકો બિનજરૂરી  વાહન પર નિકળી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer