રાજકોટમાં ફાયરબ્રિગેડના કર્મચારીનું બાઈક પોલીસે કબજે થતાં હોબાળો

રાજકોટ, તા. 3 : મહાપાલિકામાં ફાયરબ્રિગેડ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સાજીદ નામના કર્મચારીનું બાઈક પોલીસે જપ્ત કરતા હોબાળો મચી ગયો હતો. એક તબક્કે
મહાપાલિકા ખાતે કર્મચારીઓ એકઠા થઈ ગયાં હતાં અને હડતાળ જેવો માહોલ સર્જાઈ ગયો હતો જો કે, બાદમાં અધિકારીઓએ મામલો થાળે પાડયો હતો.
આ શખસ બાઈક ઉપર નીકળ્યો હતો તેની પાસે ફાકીનો જથ્થો હતો તેમજ તેની પાસે બાઈકના કોઈ કાગળ ન હોવાથી તેનું બાઈક ડિટેઈન કરવામાં આવ્યું હોવાનવું પોલીસે જણાવ્યું હતું. બાદમાં તેને બાઈક લઈ જવા પણ જણાવ્યું હતું તેમ છતાં તે આવ્યો ન હતો. બીજી તરફ આ કર્મચારીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ફાયરબ્રિગેડમાં કામ કરતો હોય ઓફિસે બાઈક પર આવી રહ્યો હતો ત્યારે પોલીસે ખોટી રીતે તેનું બાઈક અટકાવીને જપ્ત કર્યુ હતું.
રાજકોટમાં મહિલાનો આપઘાત: રૈયાગામ પાસેના વશંત મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતી 45 વર્ષની મહિલા હેતલબેન અજીતભાઈ ત્રિવેદીએ તેના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ મહિલાએ શા કારણે આ પગલું ભર્યુ તે અંગે પોલીસ તપાસ ચાલે છે. એક વાત એવી પણ બહાર આવી છે કે, આ મહિલા અકસ્માતે પાંચમા માળેથી પડી
ગઈ હતી.
રંગપર પાસે પોલીસ પર હુમલો કરનારા 6 પકડાયા: : પડધરીના રંગપર ગામ પાસે બે પોલીસમેન વકારભાઈ આરબ અને વિમલભાઈ વેકરિયા ઉપર ખૂની હુમલો કરવા અંગે 3 મહિલા સહિત 15 સામે ગુનો નોંધાયો છે. આ બનાવમાં પોલીસે મહિલા સહિત 6ની ધરપકડ કરી હતી. લોકડાઉનનો અમલ કરવા બાબતના મનદુ:ખના કરાણે આ બનાવ બન્યો હતો. પોલીસે હિરીબેન, પૂંજાભાઈ હેમુભાઈ રાતડિયા, વશરામભાઈ સતાભાઈ ધ્રાંગિયા, સકાભાઈ લાખુભાઈ રાતડિયા, વેરશીભાઈ દેવાભાઈ રાતડિયા, દલપતભાઈ કરશનભાઈ રાતડિયાની ધરપકડ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer