જુમ્માની નમાજ માટે પોલીસ ઉપર હુમલા

જુમ્માની નમાજ માટે પોલીસ ઉપર હુમલા
કન્નોજ અને કર્ણાટકના હુબલીમાં ભીડ હટાવવા ગયેલા પોલીસ જવાનો ઉપર જોરદાર પથ્થરમારો
નવી દિલ્હી, તા. 3 : કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને દેશભરમાં લોકડાઉન છે. લોકોને બને ત્યાં સુધી ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. દેશમાં મંદિર, મસ્જિદ બંધ છે. ધર્મગુરૂઓ અપીલ કરી રહ્યા છે કે આવા સંકટના સમયમાં ઘરે રહીને જ તમામ ધાર્મિક પ્રવૃતિ કરવામાં આવે. જો કે અમુક લોકો ઉપર આવી કોઈપણ અપીલ કે કાયદાની અસર થઈ રહી નથી. શુક્રવારના જુમ્માની નમાજને લઈને ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક સુધી હુમલા થયા હતા. મસ્જિદે એકત્રિત થઈ રહેલી ભીડને દૂર કરવા માટે પહોંચેલા પોલીસ જવાનો ઉપર જોરદાર પથ્થરમારા કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી.

કર્ણાટકના હુબલીમાં લોકડાઉન છતા અમુક લોકો જુમ્માની નમાજ માટે મસ્જિદે એકત્રિત થયા હતા. હુબલી સ્થિત મસ્જિદમાં ભીડની જાણકારી થતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. તેવામાં નમાજીઓએ જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં ચાર પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. હુબલી-ધારવાડના પોલીસ કમિશનરે કહ્યું હતું કે દોષિતોની ઓળખ થઈ રહી છે અને પોલીસ કડક કાર્યવાહી કરશે. આ અગાઉ ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં જામા મસ્જિદે લોકડાઉન છતા પણ નમાજીઓની ભીડ એકત્રિત થઈ હતી. સૂચના મળતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જેને લઈને નમાજીઓએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. સ્થિતિ વણસતા પોલીસ કર્મચારીઓ જીવ બચાવવા માટે દૂર ખસી ગયા હતા. ત્યારબાદ મોટા અધિકારીઓને જાણ કરવામાં આવતા ફોર્સ આવી પહોંચી હતી. જો કે ત્યાં સુધીમાં નમાજીઓ નાસી છૂટયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer