દુનિયાભરમાં વધુ ઘેરો બની રહેલો કોરોનાનો પ્રકોપ

દુનિયાભરમાં વધુ ઘેરો બની રહેલો કોરોનાનો પ્રકોપ
વિશ્વમાં 10.50 લાખથી વધુ સંક્રમિત, 56000 મૃત્યુ
ભારતમાં 2900 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા
નવીદિલ્હી, તા.3 : છેલ્લાં એક અઠવાડિયામાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણનું ચિત્ર જ બદલાઈ ગયું છે તેમાં પણ ચારેક દિવસથી 200-400 આસપાસ કેસ સામે આવી ચૂક્યા હોવાથી હવે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2900 જેટલી થઈ છે. જેમાંથી 75ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 206 દર્દી રિકવર થયા છે. જ્યારે દુનિયાભરમાંથી સામે આવેલા કેસની સંખ્યા 10 લાખને પાર થઈ છે. તેમજ મૃત્યુઆંક પણ 55000થી ઉપર પહોંચી ગયો છે. કોરોના વાયરસ સામે ઈટાલી બેબસ થયું છે જ્યારે બ્રિટન, અમેરિકા અને સ્પેનમાં પણ કોરોના વાયરસના ગંભીર આંકડા દરરોજ સામે આવી રહ્યા છે.
ભારતમાં નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીઘી જમાતના કાર્યક્રમનો ઘટસ્ફોટ થયા બાદ સામે આવેલા કેસની સંખ્યા સૌથી વધુ ગંભીર છે. નવા કેસમાંથી 67 ટકા કેસ તબલીઘી જમાતના છે.  દેશમાં સૌથી વધુ કેસ 423 મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે તમિલનાડુમાં 411 કેસ થયા છે. દિલ્હીમાં નવા 91 કેસ સામે આવતા ચિંતામાં વધારો થયો છે. જ્યારે કેરળમાં કુલ કેસની સંખ્યા 295, ઉત્તરપ્રદેશમાં 172, રાજસ્થાનમાં 168, આંધ્રપ્રદેશમાં 161,  તેલંગણામાં 154, મધ્યપ્રદેશમાં 123, કર્ણાટકમાં 128 અને ગુજરાતમાં 95 થઈ છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 75 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
દુનિયાના 10,50,000થી વધુ કેસમાં 245442 કેસ તો માત્ર અમેરિકામાં જ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 6099 મૃત્યુ થયા છે. સ્પેનમાં પણ પોઝિટિવ કેસનો આંક 1.20 લાખથી ઉપર  ગયો છે અને 10,935 મૃત્યુ થયા છે. દુનિયામાં કોરોનાની સૌથી ગંભીર માર સહન કરી રહેલા ઈટાલીમાં 14,000થી વધુ લોકો વાયરસનો ભોગ બન્યા છે અને 115242થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. બ્રિટનમાં પણ 24 કલાકમાં 684 લોકોના જીવ જતાં મૃત્યુઆંક 3605 થયો છે. આ ઉપરાંત ફ્રાન્સ, ઈરાન, જર્મની વગેરે દેશોમાં કોરોનાનો પ્રકોપ વધુ ઘેરો બની રહ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer