મોદીએ ચેતેશ્વરને કહ્યં સ્પોર્ટસ મેન જેવી ફાઇટીંગ સ્પીરીટની સમાજને જરૂર

મોદીએ ચેતેશ્વરને કહ્યં સ્પોર્ટસ મેન જેવી ફાઇટીંગ સ્પીરીટની સમાજને જરૂર
(ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ, તા.3 : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ વિરૂધ્ધના જંગની લડાઇમાં ખેલાડીઓને સામેલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના ટોચના કેટલીક ખેલ હસ્તીઓ સાથે વીડિયો કોલથી વાતચીત કરી હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પુજારા પણ સામેલ હતો. ચેતેશ્વર હાલ લોકડાઉનનો ચુસ્ત અમલ કરીને રાજકોટ સ્થિત તેના નિવાસ સ્થાને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.
‘ફૂલછાબ’ સાથેની વાતચીતમાં સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ જણાવ્યું હતું કે કોરોના સામેના જંગ સંદર્ભે બીજા ખેલાડીઓની સાથોસાથ મોદીજીએ પણ મારી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. તેમણે મને કહ્યં કે સ્પોર્ટસ મેનમાં જે ફાઇટીંગ સ્પીરીટ હોય છે તેવી સ્પીરીટની જરૂર અત્યારે સમાજને છે. જેમાં તમારા જેવા ખેલાડીઓનો સહયોગ જરૂરી છે. મોદીજી સાથેની ટૂંકી ચર્ચામાં પુજારાએ કહયું કે ‘સર અમે બધા દેશવાસી આપની સાથે છીએ. એક ખેલાડીના રૂપમાં સામાજિક અંતર માટે જાગરૂકતા ફેલવવામાં હું તમામ પ્રયાસ કરીશ.’
ચેતેશ્વર પુજારાએ ‘ફૂલછાબ’ સાથેની વાતચીતમાં લોકોને અપીલ કરી કે કોરોના સામેની લડાઇને લોકો ગંભીરતાથી લે. હજુ આપણો જંગ પૂરો થયો નથી. 14 એપ્રિલ બાદ જો લોકડાઉન સમાપ્ત થશે તો પણ આપણે સચેત રહેવું પડશે અને સામાજિક દૂરી બનાવી રાખવી પડશે. પુજારાએ લોકોને ઘર બેઠા ફિટનેસ જાળવી રાખવા પણ અપીલ કરી હતી અને કેટલીક જરૂરી પરેજી રાખવી પણ આવશ્યક ગણાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer