વેરાવળ બંદરે પરપ્રાંતના 7 હજાર ખલાસી ફસાયા

વેરાવળ બંદરે પરપ્રાંતના 7 હજાર ખલાસી ફસાયા

(ફૂલછાબ ન્યૂઝ)
વેરાવળ, તા.3 : લોકડાઉનના કારણે ફીશીંગના હબ ગણાતા વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત હજારથી વધુ પરપ્રાંતીય ખલાસી ફસાયા છે. ચારેક દિવસ પૂર્વે આ ખલાસીઓએ વતનમાં પરત જાવા માટે ઉહાપોહ કરતા તંત્રે વ્યવસ્થા કરી આપતા સૌ બોટમાં રોકાયા છે.
દર વર્ષે વેરાવળ બંદરમાં માછીમારી મજૂરી કામ અર્થે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા ખલાસી મોટી સંખ્યામાં ઓગષ્ટમાં માછીમારી સીઝનના પ્રારંભે આવે છે જૂન માસમાં સીઝન પૂર્ણ થતા પરત  જતા રહે છે. ચાલુ વર્ષે માછીમારીની મજૂરી અર્થે સાત હજારથી વધુ પરપ્રાંતીય ખલાસી આવ્યા હતા.
સરકારે  21 દિવસનું લોકડાઉન અમલી બનાવતા વેરાવળ બંદરમાં 4,200 થી વધુ ફાશિંગ બોટો લાંગરી ગઇ છે. આ બોટોમાં કામ કરતા સાત હજાર જેટલા પરપ્રાંતીય ખલાસી  બંદરમાં કામકાજ વિના ફસાઇ ગયા છે. ચારેક દિવસ પૂર્વે આ ખલાસીઓએ વતન પરત જવા ઉહાપોહ કર્યો હતો. જેના પગલે નાયબ કલેકટર, ફીશરીઝ સહિતના અધિકારી માછીમાર એસો.ના આગેવાનોએ  બંદરમાં દોડી જઇ ખલાસીઓને હાલની પરિસ્થિતિથી વાકેફ કરી સમજાવેલ અને તેઓને અહીં જ રહેવા, જમવા સહિતની તમામ સુવિધા તંત્ર પુરી પાડશે તેવી ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. 
 ફીશરીઝ અધિકારી તુષાર પુરોહિતે જણાવેલ કે, હાલ વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશના 2,770, મહારાષ્ટ્રના 1,050, વલસાડ-ઉંમરગાવનાના 3,008,  ભાવનગરના 221 ખલાસી છે. તંત્ર દ્વારા તમામ ખલાસીઓની રહેવા-જમવાની સુચારૂ વ્યવસ્થા કરાઇ છે.  રહેવા માટે ખલાસીઓ જે બોટમાં કામ કરતા હોય તેમાં જ કરાઇ છે. જયારે જમવા માટે તેમના બોટ માલીકોને રાશન પુરૂ પાડવા તાકીદ કરી છે. દરરોજ ખલાસીઓને ભોજન વ્યવસ્થિત  મળે છે કે કેમ  તેની ખરાઇ પણ કરાઇ રહી છે. આ ઉપરાંત ખલાસીઓને કંઇ સમસ્યા હોય તો માછીમાર એસો. સાથે સંકલનમાં રહી તંત્ર કામગીરી કરી રહયુ છે.  ખલાસીઓને પરત મોકલવા માટે સરકાર કક્ષાએથી નિર્ણય આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer