જમાતમાં હાજર ગુજરાતના 68 લોકોની ભાળ મળી નથી

જમાતમાં હાજર ગુજરાતના 68 લોકોની ભાળ મળી નથી
103 લોકોની ઓળખ થઇ, સૌથી વધુ 57 અમદાવાદના
અમદાવાદ, તા.3 (ફૂલછાબ ન્યૂઝ): દિલ્હીના તબલીઘી જમાતના કાર્યક્રમમાં હાજર ગુજરાતના કાર્યકરો પૈકી 68 લોકોનો કોઇ જ પતો નથી તેવો જવાબ રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. દરમિયાન રાત્રે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, કાર્યક્રમમાં ગયેલા લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી. પરિણામે પોલીસને આવા લોકોને પકડીને ક્વોરન્ટાઈન કરવા પડે છે. મરકઝમાં ગયેલા વધુ 19 લોકોને આજે ઓળખી કાઢતા અત્યાર સુધીમાં કુલ 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 57 લોકો મળી આવ્યા છે. આ સાથે ભાવનગરના 20, મહેસાણાના 12, સુરતના 8, નવસારીના 2 અને બોટાદના  4 લોકોની ઓળખ કરવામાં આવી છે, એમ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.  વાતચીતમાં ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. જ્યારે અફવા ફેલાવનારા 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝાએ કહ્યું કે, કેટલાક લોકો ધાબા પર અથવા અંતરિયાળ મેદાનમાં ક્રિકેટ રમતા હોવાનું ડ્રોનના ફૂટેજથી ધ્યાને આવેલ છે અને આ અંગે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ડ્રોનના ફૂટેજથી ગઇકાલે 220 ગુના અને આજ સુધીમાં 768 ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમજ 2144 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા બપોરે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો તેમાં તબલીઘીમાં ગયેલા 68 ગુજરાતી ગાયબ હોવાનું દર્શાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જવાબ માગ્યો હતો કે, આ લોકો ગુજરાતમાં કઇ રીતે પ્રવેશ્યા હતા અને આવા લોકોનું ગુજરાતમાં ક્રીનિંગ કેમ કરાયું ન હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer