તમસો મા જ્યોતિર્ગમય:

તમસો મા જ્યોતિર્ગમય:
કાલે રાત્રે 9 કલાકે ફક્ત 9 મિનિટ માગી મોદીએ: ઘરની લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવવા આહ્વાન
નવીદિલ્હી, તા.3: કોરોના સંકટ સામેની લડાઈમાં ભારતે કરેલું વિશ્વ અને ઈતિહાસનું સૌથી મોટું લોકડાઉન અડધે પહોંચ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશનું મનોબળ વધારવા અને લોકોનો ઉત્સાહ જળવાઈ રહે તેનો પ્રયાસ કરતાં એક વીડિયો સંદેશો જારી કર્યો હતો. જેમાં તેમણે પ એપ્રિલ, રવિવારે રાત્રે 9 કલાકે દેશવાસીઓને પોતપોતાનાં ઘરોની બત્તીઓ બંધ કરીને અંધકારમાં 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટથી દેશને રોશન કરવાનું આહ્વાન કર્યુ છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, રવિવારે પ એપ્રિલે કોરાના સંકટરૂપી અંધકારને પડકારીને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છે. 130 કરોડ દેશવાસીઓએ આ મહાશક્તિને ઉજાગર કરવાની છે અને આના માટે સૌએ 9 મિનિટ આપવાની છે. રવિવારે રાતે નવ કલાકે ઘરની બધી જ લાઈટ બંધ કરીને દરવાજે કે રવેશમાં ઉભા રહીને દીવા, મીણબત્તી કે ટોર્ચથી પ્રકાશપુંજ રચવાનું છે.
મોદીએ કહ્યું હતું કે, ચોતરફ પ્રત્યેક વ્યક્તિ દીવડા પ્રગટાવશે તો પ્રકાશની મહાશક્તિની અનુભૂતિ થશે અને તેનાથી આપણે એક જ મકસદ માટે સંગઠિત લડી રહ્યા હોવાનો અહેસાસ થશે. આ ઉજાસમાં આપણે સંકલ્પ કરીશું કે આપણે એકલા નથી. સમયાંતરે દેશવાસીઓની આ સામૂહિક શક્તિની વિરાટતા, ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરવો જરૂરી છે. દેશ જ્યારે આટલી મોટી લડાઈ લડે છે ત્યારે આપણે જનતા જનાર્દનની અપાર શક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવો જોઈએ.
જો કે આ સાથે જ વડાપ્રધાને દેશવાસીઓને ટકોર પણ કરી હતી કે આપણે આ પ્રસંગે ક્યાંય એકત્ર થવાનું નથી કે ઘરની બહાર પણ નીકળવાનું નથી. તેમણે આ સ્પષ્ટતા એટલા માટે કરી હતી કારણ કે 22મી માર્ચે જનતા કર્ફ્યૂ પછી સાંજે વાસણ ખખડાવતા લોકો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં. તેમણે 22મી માર્ચે દેશે કોરોનાવીરોનો આભાર માનવા માટે કરેલા એ નાદને યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજે દુનિયા પણ તેને અનુસરી રહી છે.
વડાપ્રધાને આજે પોતાનાં સંદેશામાં પ્રત્યેક દેશવાસીનાં મનોભાવની વાત કરતાં કહ્યું હતું કે, ઘરમાં રહીને આપણને વિચાર આવી શકે છે કે તે એકલો શું કરી શકશે? કેટલાં દિવસ આવી રીતે વિતાવવા પડશે? પરંતુ આ લોકડાઉનમાં આપણે આપણાં ઘરમાં ભલે હોય પણ એકલા નથી. મહામારીથી ફેલાયેલા અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ ભણી જવાનું છે. મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ગરીબ ભાઈ-બહેનોને નિરાશાથી આશા તરફ લઈ જવાનાં છે.
વડાપ્રધાનનાં દીપ પ્રાગટયની અપીલને મોરારિબાપુનું સમર્થન
ભાવનગર, તા.3: ચૈત્ર નવરાત્રીનાં અનુસંધાનમાં મોરારિબાપુ દ્વારા મરચરિત માનસ આધારિત સંવાદ હરિ કથા-સત્સંગની વીડિયો ક્લિપ સંગીતની દુનિયાનાં માધ્યમથી પ્રસારિત થઈ રહી છે. ચૈત્ર નવરાત્રી પૂર્ણ થતાં, આજે મોરારિબાપુએ સત્સંગ સંવાદનો પ્રારંભ કરતા કહ્યું કે, ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણ થયું છે પરંતુ રાષ્ટ્રીય અનુષ્ઠાન હજુ ચાલુ છે. દેશ અને દુનિયા પર આવેલ સંકટના સમયે ભારત સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું અનુષ્ઠાન કરી રહ્યું છે, એ 21 દિવસના અનુષ્ઠાનને ચાલુ રાખવા અને ચુસ્તપણે વળગી રહેવા બાપુએ સહુને અનુરોધ કર્યો છે.
ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે રાષ્ટ્રજોગ પ્રવચનમાં સહુને સંદેશ આપ્યો એ મુજબ પરમ દિવસે પાંચ તારીખે રાતના 9 કલાકે સહુ પોતાનાં આંગણામાં, અગાસીમાં કે અનુકૂળતા હોય એ રીતે, દીપ પ્રગટાવવા બાપુએ સહુને અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીની અપીલ પ્રમાણે નવ વાગ્યે ઘરની બધી જ લાઈટો બંધ કરી અને નવ મિનિટ માટે દીપ પ્રાગટય કરવાની આ રાષ્ટ્રીય વાતને સવિનય સ્વીકારીને ચૂક્યા વગર આપણે સૌ એ મુજબ કરશું જ એવી શ્રદ્ધા બાપુએ વ્યકત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer