મોદીનો ખેલ હસ્તીઓ સમક્ષ પાંચ સૂત્રી મંત્ર

મોદીનો ખેલ હસ્તીઓ સમક્ષ પાંચ સૂત્રી મંત્ર

વીડિયો કોલથી સચિન, કોહલી, પુજારા, ગાંગુલી, મેરિકોમ, નિરજ ચોપરા, વિનેશ ફોગાટ સહિત 40 ખેલાડીઓ સાથે પીએમ મોદીએ વાત કરીને કોરોના સામેની લડાઇમાં સહયોગ માગ્યો
લોકોનું મનોબળ વધારવામાં ખેલાડીઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે: મોદી
નવી દિલ્હી, તા.3 : કોરોના સામેની લડાઇમાં જાગરૂકતા લાવવાના ઉદેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સચિન તેંડુલકર, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, પીવી સિંધુ, રાની રામપાલ, મીરાબાઇ ચાનૂ સહિતની કેટલીક ખેલ હસ્તીઓ સાથે વીડિયો કોલથી વાતચીત કરી હતી. કોરોના વાઇરસની મહામારીને રોકવા માટેના લોકડાઉન દરમિયાન પીએમ મોદીએ આજે દેશના લગભગ 40 ખેલાડી સાથે વીડિયો કોલથી એક કલાક સુધી વાતચીત કરી હતી. જેમાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ સામેલ હતો. આ દરમિયાન કેટલાક ખેલાડીઓએ સૂચન પણ કર્યાં હતા. જેના પર મોદીએ કહ્યંy હતું કે આપના સૂચન પર પૂરું ધ્યાન અપાશે.
ખેલ હસ્તીઓ સાથેની વાતચીતમાં મોદીએ કહયું હતું કે આ વૈશ્વિક લડાઇ સામે આપણે ટીમ ઇન્ડિયાના રૂપમાં ભારતને વિજયી બનાવવાનું છે. મને વિશ્વાસ છે કે આપણા બધાના સામૂહિક પ્રયાસથી દેશમાં નવી ઉર્ઝાનો સંચાર થશે. વડાપ્રધાન મોદીએ ‘સંકલ્પ, સંયમ, સકારાત્મકતા, સન્માન અને સહયોગ’નો પાંચ સૂત્રી મંત્ર આપતા કહયું કે લોકોનું મનોબળ વધારવામાં ખેલાડીઓ મહત્વનું યોગદાન આપી શકે છે.
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કુસ્તી ખેલાડી યોગેશ્વર દત્તે ટિવટ કર્યું કે વડાપ્રધાન મોદીજીએ ખેલાડીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સામાજિક દૂરી બનાવી રાખવા વધુ ને વધુ પ્રચાર કરવા અને કોરોના વાઈરસ સામે લોકોમાં જાગરૂકતા વધે તેવી અપીલ કરી હતી. 
પીએમ સાથે વીડિયો કોલિંગ વખતે ખેલ મંત્રી કિરણ રિજજૂએ પણ ભાગ લીધો હતો. હોકી સુકાની રાની રામપાલે પીએમ સાથે કોરોના વિરૂધ્ધ સાવધાનીની વાત કરી હતી. મોદી સાથે કોહલી, સચિન ઉપરાંત યુવરાજસિંઘ, ઝહિરખાન, ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા, બેડમિન્ટન ખેલાડી બી. સાઇ પ્રણિતે પણ વાત કરી હતી. એમ. એસ. ધોની અને કે. એલ. રાહુલના નામ પણ સૂચિમાં હતા, પણ તેઓ ભાગ લઇ શકયા ન હતા. મેરિકોમ, યુવા નિશાનેબાજ મનુ ભાકર, વિનેશ ફોગાટ, હિમા દાસ અને વિશ્વનાથન આનંદે પીએમ મોદી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને કોરોના સામેના જંગમાં સાથ આપવાનો કોલ આપ્યો હતો. 
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મોદી સાથેની વાતચીતમાં કહયું હતું કે સર લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહયો નથી. કેટલાક લોકો વિના કારણ બહાર નીકળી રહયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer