જામનગરમાં ચારથી વધુ લોકોને એકત્ર કરનાર 5 વેપારીની ધરપકડ: 35ની અટકાયત

 
ટંકારા તાલુકામાં પાંચ દુકાનદારથી અટકાયત: મોડાસામાં 30 શ્રમિકની અટકાયત: તો ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકાશે
 
રાજકોટ, તા. 26:  લોકડાઉન અને ચારથી વધુ લોકોને એકત્ર નહી થવા અંગેના જાહેરનામાનો ભંગ કરવા અંગે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે.
જામનગરના યાદવનગરના ક્રિષ્ના ચોક, સત્યમ કોલોની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખીને ચારથી વધુ લોકોને એકત્ર કરનાર સોડાના વેપારી જીતેન્દ્ર નાનાલાલ અને પ્રોવીઝન સ્ટોરવાળા મુકેશ દેવશીભાઇ કપુરિયા, વિપુલ રણછોડભાઇ ચોવટિયા, કાપડના વેપારી પરેશ રસીકભાઇ મકવાણા અને ફુલના વેપારી સોયબ રફીકભાઇની પોલીસે ધરપકડ કરી હતી. જયારે 35ની અટકાયત કરવામાં આવી હતી.
ટંકારા: ટંકારા તાલુકાના હડમતિયા, નેકનામ, રોહીશાળા ગામમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાન ખુલી રાખના બટુક  શામજીભાઇ ખાખરિયા, ગીરધર ગણેશભાઇ લોરીયા, વાલજી મકનભાઇ ચંદ્રાલા, અકબર હાસમભાઇ સહિત પાંચ વેપારીની અટકાયત કરવામાં આવી હતી. ટુવ્હીલર પર ઘરની બહાર નિકળતાં લોકો ઘરમાં નહી રહે તો ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી ચેતવણી કલેકટર રવિશંકરે ઉચ્ચારી છે.
મોડાસા: મોડાસામાં 30 જેટલા શ્રમિકની અટકાયત કરવામાં આવી હતી. આ શ્રમિકો ભારવાહક રિક્ષામાં સુરતથી તેમના વતન રાજસ્થાન જઇ રહ્યા હતાં ત્યારે મોડાસા પાસે  રિક્ષા અટકાવીને શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી. આ શ્રમિકોને 21 દિવસ સુધી અટકાયતમાં રાખવા કલેકટરે હુકમ કર્યો હતો.
શાપુર: વંથલીમાં જાહેરનામાનો ભંગ કરનાર બાઇકચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઇ ચૌહાણ અને તેની ટીમે 12 બાઇક ડિટેઇન  કર્યા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer