રાજકોટમાંથી 18 લાખની હીરા ચોરી પ્રકરણમાં એક તસ્કર ઝડપાયો : ચાર ફરાર

 રાજસ્થાની ગેંગ બે વર્ષ પહેલાં કર્ણાટકમાં 1 કરોડની ચોરીમાં પકડાઈ’તી
 
રાજકોટ, તા.ર6 : કુવાડવા મેઇન રોડ પરના રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ગોયલ એન્ટરપ્રાઇઝ નામની હીરાની પેઢીમાં ગત તા.19/રના તસ્કરો ખાબક્યા હતા અને રૂ.18 લાખની કિંમતના 60 ચાઇનિઝ હીરાના પાર્સલની ઉઠાંતરી કરી ગયાની મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં સીસીટીવી કેમેરામાં ત્રણ શખસો યુટિલિટી જીપમાં કેદ થયેલા હતા અને ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ હાઇ વે પર જતા હોવાનું ખૂલતાં પોલીસે ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાંચના સ્ટાફે મૂળ રાજસ્થાન ઝાલોરનાના વેરાખેતરડી ગામના અને હાલમાં અમદાવાદ ઓઢવમાં અંબિકા સ્મૃતિ સોસાયટીમાં રહેતા બાલારામ રૂપાજી ચૌધરીને ઝડપી લીધો હતો. પોલીસની આકરી પૂછતાછમાં મુખ્ય સૂત્રધારમાં સાયલાનો કાલુરામ નરસાજી ચૌધરી અને સાથે જસવતસિંહ ઠાકુર, ભગવાનરામ લીલાજી ચૌધરી અને ભરત મેઘવાળ નામના સાગરીતો હોવાનું ખૂલ્યું હતું. ચોરીમાં સંડોવાયેલો ભરત મેઘવાળ અગાઉ રાજકોટમાં નોકરી કરતો હોય કાલુરામને ટીપ આપી હતી અને આખી ટોળકી અમદાવાદથી રાજકોટ આવી હતી અને હીરાની પેઢીની રેકી કરી ગયા બાદ ચોરી કરી નાસી છૂટયા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતનાને ઝડપી લેવા તથા મુદ્દામાલ કબજે કરવા સહિતના મુદ્દે બાલારામ રૂપાજી ચૌધરીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer