ખંભાળિયામાં યાત્રાથી પરત આવેલા મુસાફરોનું ક્રીનિંગ

ખંભાળિયામાં યાત્રાથી પરત આવેલા મુસાફરોનું ક્રીનિંગ
ત્રણ બસોના 150 જેટલા યાત્રિકોનું ક્રીનિંગ કરાયું
જામખંભાળિયા, તા.26 : ખંભાળિયામાં અયોધ્યા, કાશી, રાજસ્થાન અલગ-અલગ રાજ્યમાં યાત્રાએ ગયેલ ત્રણ બસો પરત ફરતા 150 જેટલા પેસેન્જરોનું ક્રીનિંગ કરાયું હતું. દ્વારકા જિલ્લામાં કોરોનાના પગલે લોકડાઉનની સ્થિતિમાં જિલ્લામાં પરત ફરતા તમામ લોકોનું આરોગ્ય ટીમ દ્વારા ક્રીનિંગ કરવામાં આવે છે. તેમજ વહાણ મારફતે આવતા લોકોને વહાણની અંદર જ 14 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે તકેદારીના પગલે ખંભાળિયા ખાતે છેલ્લા બે દિવસમાં અલગ-અલગ રાજ્યો અયોધ્યા, કાશી રાજસ્થાનમાં અહીંના સ્થાનિકો યાત્રાએ ગયેલ હોય અને ત્યાંથી પરત ફરતા ખંભાળિયા આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ત્રણ બસો પરત ફરતા 150 જેટલા મુસાફરોનું ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમાં તબીબ પરિક્ષણમાં લક્ષણો નિલ જોવા મળતા તમામ પેસેન્જરોને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
શ્રમિકોને વતનની વાટ ન પકડવા રૂપાણીની અપીલ
ગાંધીનગર, તા.26 : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા વિવિધ જિલ્લાઓના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં કામ કરતા શ્રમજીવીઓને અપીલ કરી છે કે, હાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે. તેમણે રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ, બિલ્ડર્સ સંગઠન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાને ત્યાં કામ કરતા આવા કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થા સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે. આવા કામોમાં સેવા સંસ્થાઓ અને રાજ્ય સરકાર શક્ય મદદરૂપ થશે.
 
હરિદ્વારમાં ફસાયેલા 1 હજાર યાત્રિકોને ગુજરાત પહોંચાડાયા
 (ફૂલછાબ ન્યૂઝ)
ધોરાજી, તા. 26 : કોરોના વાયરસ કારણે કેન્દ્ર સરકારે ટ્રેન વ્યવહાર બંધ કરતા તેમજ તમામ રાજ્યની સરહદો સીલ કરતા ગુજરાત સૌરાષ્ટ્રના 1000 યાત્રાળુઓ હરિદ્વારમાં ફસાઈ ગયા હતા. આ સમયે તમામ અન્નક્ષેત્રો હોટલો પણ ઉત્તરાખંડ સરકારે બંધ કરાવતા ગુજરાતી યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આવા સમયે ધોરાજી તાલુકાનાં તોરણીયા ગામ ખાતે આવેલ સંત સેવાદાસ આશ્રમ નકલંકધામના મહંત રાજેન્દ્રદાસ બાપુ    તેઓ પણ હરિદ્વાર નકલંકધામ આશ્રમ ખાતે હોય અને ગુજરાતીઓ ત્યાં મળવા ગયા ત્યારે એક હજારથી વધુ યાત્રિકો રહેવા-જમવાની પણ મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વાત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક સુધી પહોંચી હતી. સંત રાજેન્દ્રદાસ બાપુ સાથે સાંસદ ધડુકે વાત કરી હતી. અને છેલ્લા ત્રણ દિવસમાં 700 લોકો હરિદ્વારથી ગુજરાત જવા માટે રવાના થઇ ગયા હતા અને પોરબંદર કેશોદ વેરાવળ રાજકોટ વિગેરે યાત્રાળુઓ ગુજરાત પહોંચી ગયા છે તેમજ આજે છેલ્લા 300 યાત્રાળુઓ બાકી હતા તેમને ગુજરાત લાવવા માટે આજે સવારે 9:00 કલાકે હરિદ્વાર ખાતેથી પાંચ બસો દ્વારા યાત્રાળુઓને નકલંકધામ હરિદ્વારના મહંત રાજેન્દ્ર દાસ બાપુએ તમામ બસોમાં ફૂડ પેકેટો નાસ્તાની વ્યવસ્થા કરી અને ગુજરાત જવા માટે રવાના કર્યા હતા.
---------------------------------------
 
 
 
ભૂખ્યાઓને ભોજનનો સેવાયજ્ઞ
12 હજાર ગરીબ,
અસહાય લોકોને લાભ :
40 ગાડી, 200 કાર્યકર્તાઓની અવિરત સેવા
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 26 : કોરોના સંકટની સૌથી વધુ અસર રોજેરોજ કમાનારા લોકો પર પડી છે. ગરીબ, અસહાય વ્યક્તિઓને પડી છે. એમને બે ટંક ભોજનના સાંસાં પડી રહ્યા છે. આવા સંકટમાં રાજકોટની જાણીતી સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી શહેરના મજૂર-ગરીબ-અસહાય લોકોને ભોજન આપવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. જન્મભૂમિ પત્રો રાહતનીધિમાંથી સહાય કરવામાં આવી રહી છે. આજે 12 હજાર લોકોને ભોજન પુરું પાડવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞ માટે ટ્રસ્ટના 200 લોકોની ટીમ આખો દિવસ કામ કરી રહી છે. ટ્રસ્ટના મોભી જયેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, અમારી 10 ગાડીમાં કાર્યકર્તાઓ દર કલાકે એક વિસ્તારમાં જઇ ભૂખ્યાઓને ભોજન પીરસે છે. દસ ટ્રાફિક વોર્ડન પણ સેવા આપી રહ્યા છે.
લક્ષ્મીવાડીમાં ટ્રસ્ટના કાર્યાલયે રસોડું ધમધમે છે. આજે ફૂલછાબના મેનેજર નરેન્દ્ર ઝીબા, તંત્રી કૌશિક મહેતા, જાહેરખબર મેનેજર જગુભાઈ છાયા, સરક્યુલેશન મેનજર દીપકભાઈ જોબનપુત્રાએ રસોડાની મુલાકાત લીધી હતી.
ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય ઉપરાંત નગરપીપળીયામાં પણ એક રસોડું શરૂ કરાયું છે. ત્યાંથી રસોઇ રાજકોટ લવાય છે. રોજ ત્રણ વાનગી પીરસાય છે. જેમાં ખીચડી, શાક અને બ્રેડનો સમાવેશ થાય છે. ઉપરાંત ક્યારેક થેપલાં અપાય છે, તો ક્યારેક કઢી, ફરસાણ, છાશ.
આ ઉપરાંત ઘણા લોકો મદદ કરી રહ્યા છે. કેટલાક મીઠાઈવાળાઓએ મીઠાઈ પણ મોકલી છે. કોઇ અન્ય ચીજો પણ મોકલે છે. અને આ વિતરણમાં સારા અનુભવો પણ થઇ રહ્યા છે. કેટલાક લોકો એવા હોય છે કે, પોતાની પાસે સગવડ હોય તો ભોજન લેતા નથી.
બોલબાલા ટ્રસ્ટના કાર્યાલયે ટિફિનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. અહીં કોઇ ભૂખ્યું આવે તો એને ભોજન અપાય છે. ટ્રસ્ટનું કાર્યાલય 9-લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે આવેલું છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer