હિજરાતા હૃદયે શ્રમિકોની હિજરત

હિજરાતા હૃદયે શ્રમિકોની હિજરત

જાહેર પરિવહન બંધ હોઈ પરિવાર સાથે પગપાળા નીકળી પડયા, પોલીસ તંત્ર અને સેવાભાવી મદદે આવ્યા: પોલીસ વડાએ કહ્યું, સ્થળાંતર કરવાની જરૂર નથી
 (ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 26 : હવે લાંબો સમય કલમ 144 હેઠળ નિયંત્રિત રહેવાનું છે ત્યારે રોજગારી અર્થે આવેલા સેંકડો શ્રમિકોએ વતનની રાહ આરંભી દીધી છે. જાહેર પરિવહન બંધ હોવાથી તમામ સ્થળના શ્રમિકો સ્ત્રી-પુરૂષો સહિતના પગપાળા નીકળી પડયા હતા. વિવિધ સ્થળે પોલીસ તેમજ સેવાભાવીઓ મદદે આવ્યા છે. વતન તરફ જઇ રહેલા શ્રમિકો પરિવારોને ચા-નાસ્તો-જમવાની વ્યવસ્થા પૂરી પડાઈ રહી છે. ઉપરાંત પોલીસ અને તેમની સહાયની વાહનની પણ સગવડ કરી અપાઈ છે. હરિદ્વાર અને અન્યત્ર ગયેલા યાત્રીઓ પણ ફસાયા હતા. મોટાપાયે શરૂ થયેલી પરપ્રાતિયોની આ હિજરતને પગલે આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આવા લોકોને જ્યાં છો ત્યાં જ રહેવા અને સ્થળાંતર નહીં કરવા કહ્યું હતું. તેઓ માટે પણ વતન આવવાની વ્યવસ્થા થઇ છે. આ અંગેના અહેવાલોનું સંકલન આ મુજબ છે.
વીરપુર: શિયાળુ પાક માટે દાહોદથી આવેલા સો જેટલા મજૂરો પગપાળા વતન જતા હતા. વીરપુરના પીએસઆઈ ભોજાણીએ વાહનની વ્યવસ્થા કરી આપી હતી. એ પહેલા સ્થાનિક પત્રકારોએ તમામ શ્રમિકોને ચા-નાસ્તો આપ્યો હતો.
તળાજા: તાલુકાના હબુકવડના 210 અને સોસિયા તથા ઘોઘાના 45 મળી ભાવનગર જિલ્લાના પોણા ત્રણસો  યાત્રી હરીદ્વારમાં ફસાયા હતા. હબુકવડના પૂર્વ સરપંચ ભદ્રેશભાઈ પાલીવાલ અને સોસિયાના સુખદેવસિંહ ગોહિલે સોશિયલ મીડિયા મારફત મદદ માગતા હરિદ્વાર પ્રશાસન દ્વારા બધાને વતન પહોંચાડવાની વાહનની વ્યવસ્થા કરી અપાઈ હતી.
ગારિયાધાર : ગારિયાધારના અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ સુરતથી રવિવારે નીકળેલા 16 હીરા કારીગરોને વાહન મળતાં ગઢડા પાસે ઉતારી દીધા હતા. તેઓ ગારિયાધાર આવતાં સેવાભાવીઓએ ભોજનની વ્યવસ્થા કરી હતી. પછી તેઓ મૂળ ઉનાના હોઇ વાહનની વ્યવસ્થા કરી આપી હતી.
ચેન્નાઇમાં સૌરાષ્ટ્રનાં 28 યાત્રાળુને આશ્રય
જામનગર, રાજકોટ, ખંભાળિયાથી 17  તારીખે 28 યાત્રાળુ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા પછી ચેન્નાઇમાં ફસાઇ ગયા છે. હાલ ચેન્નાઇ લોહાણા સમાજનાં જલારામ ભવનમાં આશ્રય મેળવ્યો છે. ચેન્નાઇની માતૃ ગુજરાતી સંસ્થા શ્રી ગુજરાતી મંડળ, બ્રોડવેએ 50  કિલો ચોખા, 15 કિલો ઘઉં, તુવેરદાળ પાંચ કિલો, ગોળ તથા સીધું સામાનની વ્યવસ્થા કરી આપી છે. સંસ્થા દ્વારા ત્રણે સમય જમવાની વ્યવસ્થા કરી આપનાર છે. રાજકોટ પાછા મોકલી  શકાય તે માટેના પ્રયત્ન ચાલુ છે તેમ સુરેશભાઇ પારેખે જણાવ્યું હતું.
સુરતથી સૌરાષ્ટ્ર તરફ કૂચ
હીરાનગરી સુરતમાં સૌરાષ્ટ્રથી આવેલાં રત્નકલાકારોએ પરિવાર સાથે વતન જવા તરફ કૂચ કરી હતી જે આજે પણ યથાવત ચાલુ છે. આ ઉપરાંત શહેરમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતાં દાહોદ -ગોધરાનાં મજૂરો પણ માદરે વતન જવા માટે નીકળી પડયા છે.
 કામરેજ હાઇવે પાસે પોલીસે રોકીને મજૂરોને પરત ફરવા માટે કહ્યું છતાં મજૂરો  વતન જઇએ તો જ અમારા હિતમાં છે તેમ કહેતા જવા દીધા હતાં.
પગપાળા હિજરતીઓની સેવા કરનારે સતર્ક રહેવું જરૂરી
મોડાસા : કોરોનાને લઇને લોકડાઉન છે ત્યારે અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ સહિત ગુજરાતના જિલ્લાઓમાં કામ કરતા કામદારો તથા હોટલોમાં કામ કરતા વેઈટરો અને રસોઈયાઓને રજાઓ આપી દેવામાં આવી છે. મૂળ રાજસ્થાનના અને ગુજરાતમાં કામ ધંધા માટે આવેલા આ લોકો ટ્રાન્સપોર્ટ સુવિધા બંધ થવાથી અટવાયા છે. જેને લઈને તેઓએ વતન તરફ ચાલતી પકડાતા અરવલ્લી- સાબરકાંઠા જીલ્લાના માર્ગો પર કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. શ્રમિકોની વ્હારે પોલીસતંત્ર, વહીવટી તંત્ર સેવાકીય સંસ્થાઓ અને યુવાવર્ગ દ્વારા પગપાળા શ્રમિકોને પાણી ચા-નાસ્તા અને ભોજનની સુવિધા પુરી પાડી રહ્યા છે અને કેટલાક સ્થાનિક લોકો પોલીસનો સહકાર લઈને પોતાના ટ્રક અને આઈશર ગાડીઓમાં પગપાળા લોકોને  રાજસ્થાન સરહદ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સેવાકીય કાર્યો કરતા લોકો અને પગપાળા પસાર થતા શ્રમિકો કોરોના અંગે નિષ્કાળજી દાખવી રહ્યા હોય તેમ કોઈપણ પ્રકારની સાવચેતી ન દાખવતા સેવા કરવા જતા કોરોના ઘર કરી જાય તેવી દહેશત પેદા થઈ છે સેવાકીય કાર્યો કરતા લોકો સેવા કરવાની સાથે સતર્ક રહેવાની ખુબ જરૂર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
શ્રમિક પરિવારને વાહન ન મળતા 240 કિ.મી. ચાલીને સુરતથી છોટાઉદેપુર જવા નીકળ્યો
વડોદરા: રાજ્યરમાં લોકડાઉનને પગલે વાહન ન મળતા આદિવાસી શ્રમિક પરિવાર 240 કિ.મી. ચાલીને સુરતથી છોટાઉદેપુર જવા નીકળ્યો છે. આ દરમિયાન જમવાનું ન મળતા તેઓ 2 દિવસ ભૂખ્યા રહ્યા હતા. આ 8 લોકોનો પરિવાર સુરતથી 120 કિ.મી. કાપીને બે દિવસે આજે રાજપીપળા પહોંચ્યો હતો. જ્યાં તેમને બે દિવસ બાદ ભોજન મળ્યું હતું. હજી બે દિવસ પછી તેઓ છોટાઉદેપુર પહોંચશે.
ભરૂચથી શ્રમિકોને વતન જવાની વ્યવસ્થા
વડોદરા : ભરૂચ જિલ્લા કલેકટરશ્રીની સતર્કતાને કારણે રાજપીપળા- અંકલેશ્વર ચોકડી પર અંદાજે 300થી વધુ શ્રમિક- મજૂર અને ગરીબ લોકો કે જેઓ પોતાના બાળકો સાથે નિરાધાર હાલતમાં રસ્તા ઉપર બેઠેલા હતા તેઓને તેમના વતન તરફ જવા માટે તાત્કાલિક અને ટૂંક સમયમાં પાંચ એસ.ટી.બસની વ્યવસ્થા સાથે રવાના કરાયા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer