દુનિયાનાં અર્થતંત્રમાં પાંચ ટ્રિલિયન ડોલર ઠાલવશે G-20

દુનિયાનાં અર્થતંત્રમાં  પાંચ ટ્રિલિયન ડોલર ઠાલવશે G-20
-વીડિયો લિંકથી પરિષદ યોજાઈ: મોદી સહિતનાં વિશ્વનાં નેતાઓએ કોરોના સામે સામૂહિક લડતની કરેલી હાકલ: કોઈ દેશ ઉપર દોષારોપણ નહીં
 
રિયાદ, તા.26: દુનિયા ઉપર આવી પડેલી કોરોના આફત સામે વિશ્વના સામૂહિક પ્રયાસોની હિમાયત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ રંગ લાવી છે. સાર્ક દેશની પરિષદ બાદ હવે આજે સાઉદી અરબની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી જી-20 દેશોની પરિષદમાં કોરોના આફતમાં થયેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે પાંચ ટ્રિલિયન ડોલર ઠાલવવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.
આજે મળેલી આ પરિષદમાં 19 દેશ અને યુરોપિયન યુનિયનનાં નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. જી-20 દેશોએ આ પરિષદમાં કોરોના સામે સામૂહિક લડત માટે સર્વાનુમતી દર્શાવી હતી.
આ પરિષદમાં જી-20નાં નેતાઓએ કહ્યું હતું કે વિશ્વનાં અગ્રણી અર્થતંત્રો કોરોના મહામારીમાંથી ઉગરવાનાં શક્ય તમામ પ્રયાસો કરશે. સ્વાસ્થ્ય, સમાજ અને આર્થિક નુકસાનીને નીપટાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે. દુનિયાનાં અર્થતંત્રની રક્ષા માટે પાંચ ટ્રિલિયન ડોલર વૈશ્વિક અર્થતંત્રમાં ઠાલવવામાં આવશે.
આ સાથે જ મહામારીનાં ફેલાવા સંબંધિત જાણકારીઓ પરસ્પર આદાનપ્રદાન કરવામાં આવશે જેથી દુનિયાની સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારણા થઈ શકે. આજની આ બેઠકમાં વાયરસ ક્યાંથી પેદા થયો તેની કોઈ ચર્ચા કે વિવાદમાં ઉતરવામાં આવ્યું નહોતું. ફક્ત આ સંકટમાંથી બહાર આવવાનાં પ્રયાસોની જ ચર્ચા કરવામાં આવી છે.
કોરોના મહામારીએ સર્જેલી વૈશ્વિક કટોકટી સામે લડવા અસરકારક અને સંકલિત પગલાં લેવા સાઉદી અરેબિયાના રાજા કિંગ સલમાને જી-20 સંગઠનના સભ્ય દેશોને વિનંતી કરી હતી તેમજ વિકાસશીલ દેશોને સહાયરૂપ થવા અનુરોધ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer