ભારતમાં કોરોનાના કેસ 700ને પાર, 16નાં મૃત્યુ

ભારતમાં કોરોનાના કેસ 700ને પાર, 16નાં મૃત્યુ
-મોદી સરકારના તમામ મંત્રીઓને રાજ્યોની જવાબદારી સોંપાઈ
-દુનિયાભરમાં કુલ કેસની સંખ્યા પાંચ લાખે પહોંચી : મૃત્યુઆંક 22000 થયો
 
નવી દિલ્હી, તા. 26 : ભારતમાં લોકડાઉન વચ્ચે પણ કોરોના વાયરસ સતત પ્રસરી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 60થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 710 નજીક પહોંચ્યો છે. આ ઉપરાંત વધુ ત્રણ લોકોના મૃત્યુ થતાં દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 16 થયો છે. કોરોના વાયરસ હવે પુરી દુનિયામાં પ્રસરી ચૂક્યો છે અને અંદાજિત 5 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 22000 જેટલા મૃત્યુ થયા છે. જ્યારે એક લાખથી વધારે લોકો કોરોનાને પછાડીને સ્વસ્થ બન્યા છે.  ભારતમાં પણ 47 જેટલા લોકો કોરોનાને મહાત કરીને સ્વસ્થ બન્યા છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના તમામ મંત્રીઓને વિવિધ રાજ્યોના કોરોના સંકટની કામગીરીનો હવાલો સોંપ્યો હતો. આ મંત્રીઓ રાજ્યોની જરૂરીયાત અને સંક્રમણ અવરોધક કાર્યવાહી ઉપર દેખરેખ રાખશે.
દેશમાં કોરોના વાયરસને પ્રસરતો રોકવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું હતું કે, સમૂદાય અને સરકાર સામૂહિક રીતે કામ ન કરે અને દિશાનિર્દેશોનું યોગ્ય પાલન ન થઈ શકે તો કોરોના વાયરસ કોમ્યૂનિટિમાં ફેલાવાની ભીતિ છે. સોશિયલ ડિસ્ટેન્સ અને ટ્રીટમેન્ટનું પાલન થશે તો ભારત સુરક્ષિત રહેશે. અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, જે દરે નવા કેસ સામે આવી રહ્યા છે તે અપેક્ષાકૃત સ્થિર છે. જો કે આ માત્ર શરૂઆતનો ટ્રેન્ડ છે. આ સાથે 17 રાજ્યોમાં ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું હોવાની પણ માહિતી આપી હતી. ગૃહમંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું હતું કે જરૂરી વસ્તુઓ, સેવા, ઉત્પાદન, આપૂર્તિ કે વિતરણ પ્રભાવિત ન થાય તે માટે કામગીરી સુનિશ્ચિત થઈ રહી છે.
લોકડાઉન વચ્ચે પણ લોકોને જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે મુક્તિ છે જેના પગલે મોટાભાગના રાજ્યોમાં સવારના સમયે થોડી ચહલપહલ રહી હતી. તો અમુક સ્થળોએ શાકમાર્કેટોમાં મોટી સંખ્યમાં લોકો એકત્રિત થવા લાગતા પગલા પણ લેવા પડયા હતા. ખાસ કરીને મેડિકલની દુકાનોએ ભીડ રહેતી હોવાથી દવાઓની ઘરે ડિલિવરીને છૂટ આપવામાં આવે તેવી તૈયારી છે. આ દરમિયાન લોકડાઉનમાં ગરીબ પરિવારો માટે સૌથી વધુ મુશ્કેલીઓ ઉભી થઈ હોવાથી સંસ્થાઓ તરફથી મદદ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઘણાં રાજ્યોમાં ગરીબો પરિવારો સુધી પોલીસે ભોજન પહોંચાડયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. કપરા સમયમાં પોલીસ જરૂરી ફરજ નિભાવી રહી છે. તો બીજી તરફ સીઆરપીએફના જવાનોએ પોતાનો એક દિવસનો પગાર વડાપ્રધાન રાહત કોષમાં દાન કર્યો હતો. જેમાં 33 કરોડ રૂપિયાનો ચેક મોકલવામાં આવ્યો હતો.
દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોના વાયરસને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં ઈટાલી, સ્પેન અને અમેરિકા જેવા દેશો નિષ્ફળ નીવડી રહ્યા છે અને વાયરસ બેકાબુ થતાં દરરોજ ભયાનક રીતે નવા કેસમાં ઉમેરો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ઈટાલી અને સ્પેનનો મૃત્યુઆંક હવે ચીન કરતા પણ વધી ગયો છે. જ્યારે અમેરિકા અને બ્રિટનમાં પણ રોજ લોકો કોરોના વાયરસની ચપેટમાં આવીને જીવ ગુમાવી રહ્યા છે. ઈટાલીમાં 7500, સ્પેનમાં 4000થી વધુ અને અમેરિકામાં 1037 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer