ભાવનગરમાં કોરોનાથી વૃદ્ધનું મૃત્યુ: રાજકોટમાં વધુ 1 કેસ

ભાવનગરમાં કોરોનાથી વૃદ્ધનું મૃત્યુ: રાજકોટમાં વધુ 1 કેસ

રાજ્યમાં કુલ 44 દર્દી : ભાવનગરમાં દિલ્હીથી આવેલા કોરોનાએ વૃધ્ધના લીધા પ્રાણ, પરિવારજનો ક્વોરન્ટાઈન
 
482ની અટકાયત, ક્વોરન્ટાઈન રહેલા 62 લોકો સામે કાનૂન ભંગનો ગુનો
અમદાવાદ, રાજકોટ, તા. ર6: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનો ઉમેરો થયો છે. આ સાથે રાજ્યમાં સતત દુપ્રભાવ વધારી રહેલા કોરોના વાયરસથી પીડિત દર્દીઓની કુલ સંખ્યા 44 થઈ છે. નોંધનીય છે કે વિશ્વભરમાં ખતરનાક રીતે અને ઝડપે લોકોને દર્દી અને તેમાંથી મૃતદેહ બનાવનાર કોરોનાએ ગુજરાતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજાવ્યા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે સવારે ટેલિફોનિક વાતચીત કરી નોવેલ કોરોના અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ લોકડાઉન દરમિયાન રાજ્યના નાગરિકોને ઘરમાં રહેલા વડીલોનું ધ્યાન રાખવા અને ઘરમાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવા અપીલ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 1પ, સુરતમાં 7, રાજકોટમાં પ, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7, ભાવનગરમાં 1 અને કચ્છમાં 1 મળી કુલ 44 કેસ નોંધાયા છે.
ભાવનગરમાં સાંઢીયાવાડ નજીક જોગીવાડની ટાંકી પાસે રહેતા 70 વર્ષના વૃધ્ધનું કોરોના વાયરસને કારણે ગત રાત્રીના મૃત્યુ થયું હતું. હૃદયમાં તકલીફ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે સવારે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓ માર્ચના પ્રથમ સપ્તાહ બાદ બે દિવસ માટે દિલ્હી ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રે તેમના ટ્રાવેલ હિસ્ટ્રી અને છેલ્લા 1પ દિવસમાં તેમની મુલાકાત લેનાર વ્યક્તિઓની વિગત મેળવી તેમને ક્વોરન્ટાઈન કરવા અને જરૂરી સારવાર કરવાની દોડધામ શરૂ કરી છે.
રાજકોટમાં આજે 37 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા પ થઈ છે. આ યુવાન તાજેતરમાં દુબઈથી પરત આવેલા કોરોના પોઝિટીવ યુવાનના સંપર્કમાં આવ્યા બાદ તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. રાજકોટમાં હજુ એક દર્દીનો રિપોર્ટ આવવો બાકી છે.
દરમિયાન જૂનાગઢમાં એક તરૂણીને કોરોના વાયરસની શંકાએ રાજકોટમાં દાખલ કરવામાં આવી છે. તેમના પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જૂનાગઢના એક આસામી દિલ્હીથી આવ્યા બાદ પરિવારની 6 વર્ષની પુત્રીને છેલ્લા બે દિવસથી શ્વાસ, તાવ અને શરદી હોવાથી તેણીને હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ મેળવી પરીક્ષણ માટે મોકલાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 740 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. જ્યારે ક્વોરન્ટાઈન કરેલા ર98 લોકો એ કાયદાનો ભંગ કરતા ગુનો દાખલ કરાયો હતો. જ્યારે 1379 આરોપીઓની અટકાયત કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer