મહામારી સામે મહાયુદ્ધ માટે મહારાહતો

મહામારી સામે મહાયુદ્ધ માટે મહારાહતો

-સરકારે જાહેર કર્યું 1.70 લાખ કરોડનું પેકેજ: અનાજથી માંડીને આર્થિક સહાય સુધીની ઘોષણાઓની હારમાળા
નવીદિલ્હી, તા.26: દુનિયા ઉપર આવી પડેલા કોરોના મહામારીનાં સંકટમાં તમામ દેશોનાં અર્થતંત્ર ઉપર કમરતોડ ફટકા પડયા છે. ભારત પણ આમાંથી બાકાત નથી અને દેશની મધ્યમ અને નિમ્ન આર્થિકવર્ગને આ આર્થિક સંકટના ભરડામાં સુરક્ષિત રાખવા માટે ભારત સરકાર દ્વારા અપેક્ષા અને માગણીકૃત રાહત પેકેજનું આજે એલાન કરી દીધું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે 1.70 લાખ કરોડ રૂપિયાની રાહતોની જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો પહેલો પ્રયાસ કોઈ જ ગરીબ ભૂખ્યો ન રહે તેનો છે. આ પેકેજમાં આઠ શ્રેણીમાં કિસાનો, શ્રમિકો, ગરીબો, વિધવા, પેન્શનર, દિવ્યાંગ, મહિલા, કર્મચારીઓને રાહતોની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં અનાજ પૂરું પાડવાથી માંડીને રોકડ સહાય સુધીની જાહેરાતોનો સમાવેશ થાય છે.
----
ગરીબો ઉપર અન્નવર્ષા
દેશનાં 80 કરોડ ગરીબોને પ્રતિમાસ છ કિલો વધારાનું રાશન વિનામૂલ્યે આપવામાં આવશે. અત્યાર સુધી ઘઉં કે ચોખા પ્રતિવ્યક્તિ પાંચ કિલો આપવામાં આવતા હતા પણ હવે પાંચ કિલો વધારાનું અનાજ પણ આપવામાં આવશે. એટલે કે જૂન માસ સુધી 10 કિલો સરકારી રાશન આપવામાં આવશે. આ ઉપરાંત 1 કિલો દાળ પણ ગરીબોને આપવામાં આવશે. ક્ષેત્રવાર લોકોની પસંદને અનુરૂપ દાળ આપવામાં આવશે.
કિસાનો ઉપર ધનવર્ષા
વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 8 કરોડ 70 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં ખાતામાં જમા કરાવી દેવામાં આવશે.
મહિલાઓને વિશેષ રાહત
વડાપ્રધાન જનધન યોજના હેઠળ 20.પ કરોડ મહિલા ખાતાધારકોનાં ખાતામાં આગામી ત્રણ માસ સુધી પ્રતિમાસ પ00 રૂપિયા જમા કરાવવામાં આવશે.
બુઝુર્ગ, દિવ્યાંગોને પેન્શનવૃદ્ધિ
3 કરોડ બુઝુર્ગો, દિવ્યાંગો અને વિધવાઓનાં પેન્શનમાં 1000 રૂપિયાનો ઈજાફો કરવામાં આવ્યો છે. આ રકમ સીધી તેમનાં બેન્કખાતામાં જ જમા થશે.
મનરેગામાં વેતનવૃદ્ધિ
મનરેગા હેઠળ શ્રમિકોને ચૂકવવામાં આવતી મજૂરીનો દર વધારીને 202 રૂપિયા પ્રતિદિન કરી દેવામાં આવ્યો છે. તેનાથી પાંચ કરોડ પરિવારોને લાભ થશે. અત્યાર સુધી મનરેગામાં 182 રૂપિયા મજૂરી ચૂકવાતી હતી.
ચૂલા રહેશે પ્રજ્વલિત
ઉજ્વલા યોજના હેઠળ 8 કરોડથી વધુ લાભાર્થીઓને આગામી ત્રણ માસ વિનામૂલ્યે રાંધણગેસનાં બાટલા પૂરા પાડવામાં આવશે.
આજીવિકા અભિયાન
સ્વાવલંબી સમૂહો સાથે જોડાયેલા દેશના 7 કરોડ પરિવારોને સ્વરોજગાર માટે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. અત્યાર સુધી દીનદયાળ ઉપાધ્યાય આજીવિકા મિશન હેઠળ 10 લાખની લોન આપવામાં આવતી હતી.
સંગઠિત ક્ષેત્રનાં કર્મીઓને સહાય
એવી સંસ્થાઓ કે જેમાં 90 ટકા કર્મચારીઓનો પગાર 1પ,000 રૂપિયા હશે કે પછી 100 કર્મચારી હોય તેમનાં પીએફ ખાતામાં સરકાર નાણાં જમા કરાવશે. મતલબ કે કર્મચારી અને નિયોક્તા બન્નેનો વેતનના 12 ટકા જેટલો પીએફનો હિસ્સો સરકાર દ્વારા જમા કરાવવામાં આવશે. આ વ્યવસ્થા આગામી ત્રણ માસ માટે રહેશે.
પીએફમાંથી ઉપાડમાં છૂટ
પીએફમાં જમારાશિનાં 7પ ટકા જેટલી અથવા તો ત્રણ માસના પગાર જેટલી રકમ પીએફમાંથી ઉપાડી શકાશે. આ રકમ નોન રિફન્ડેબલ હશે. તેનાથી આશરે 4 કરોડ કર્મચારીઓને સીધો લાભ મળશે.
કોરોનાવીરો માટે વીમો
તબીબો, નર્સ, આશાવર્કર અને અન્ય મેડિકલ સ્ટાફ માટે વિમાકવચની જાહેરાત કરવામાં આવી છે. આ લોકો માટે પ0 લાખ રૂપિયાના મેડિકલ ઇન્સ્યોરન્સની ઘોષણા કરી છે. તેનો લાભ 20 લાખ કર્મીઓને મળશે.
બાંધકામના શ્રમિકો માટે ભંડોળ
નિર્માણ કામદાર કલ્યાણ કોષમાં 31 હજાર કરોડ રૂપિયા છે અને આ ક્ષેત્રમાં શ્રમિકોની સંખ્યા 3.પ કરોડ છે. કેન્દ્ર સરકારે એવી જોગવાઈ કરી છે કે આ ભંડોળનો ઉપયોગ રાજ્ય સરકારો કોઈપણ આપદાની સ્થિતિમાં રાહત માટે વાપરી શકશે.
મિનરલ ફંડોનો ઉપયોગ
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જિલ્લા મિનરલ ફંડનો ઉપયોગ મેડિકલ ક્રીનિંગ, ટેસ્ટિંગ ગતિવિધિ, કોરોના જાગૃતિ સહિતનાં અન્ય કાર્યોમાં કરવા માટે અનુરોધ કર્યો છે.
------------
લોકડાઉન વચ્ચે મધ્યમ વર્ગને EMI અને લોનની ચિંતા
નાણામંત્રી તરફથી રાહતના એલાનમાં મધ્યમ વર્ગ માટે કોઈ જાહેરાત ન થતા નિરાશા
નવી દિલ્હી, તા. 26 : 21 દિવસના લોકડાઉન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજનું એલાન કર્યું છે. આ પેકેજ મારફતે દેશના ખેડૂત, મજૂર અને મહિલા વર્ગ ઉપરાંત વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગોને રાહત આપવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ મધ્યમ વર્ગની આશાને ફરી એક વખત ઝટકો લાગ્યો છે. કારણ કે રાહતના એલાનમાં લોન કે ઈએમઆઈ મુદ્દે મધ્યમવર્ગને રહેલી ચિંતા અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી.
મધ્યમવર્ગને લોકડાઉનના કારણે લોન અને દર મહિને આવતા ઈએમઆઈની ચિંતા સતાવી રહી છે. તેવામાં લોકોને આશા હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સમાં  મધ્યમ વર્ગને રાહત માટે પણ કોઈ એલાન કરશે. જો કે મધ્યમ વર્ગ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી અને માત્ર ઈપીએફના મુદ્દે થોડી રાહત આપી હતી. નાણામંત્રીએ ઈપીએફમાં ત્રણ મહિના સુધી એમ્પ્લોયી અને એમ્પ્લોયર બન્નેના ભાગનું યોગદાન કરશે. નાણામંત્રીએ લોન અને ઈએમઆઈની ચિંતા ઉપર કહ્યું હતું કે વર્તમાન સમયે ફોકસ ગરીબોને ભોજન ઉપર છે અને તેમને રૂપિયા પહોંચાડવા ઉપર છે. આમ નાણામંત્રી તરફથી મધ્યમ વર્ગને કોઈપણ રાહતની ખાતરી આપવામાં આવી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer