નાણાકીય પેકેજથી શેરબજારને હૂંફ

નાણાકીય પેકેજથી શેરબજારને હૂંફ
સેન્સેક્સ સળંગ ત્રીજા દિવસે ઉંચકાયો, 1411 પોઇન્ટની તેજી
મુંબઇ, તા.26: કોરોના વાઇરસને લીધે અર્થતંત્રને થનારા નુક્સાન માટે બીજું સર્વગ્રાહી પેકેજ જાહેર કરતા શેરબજારમાં તેજી ફાટી નીકળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ત્રીજા સેશનમાં ઉંચકાવામાં સફળ થયા હતા.
સેન્સેક્સ 1411 પોઇન્ટની તેજીમાં 29,947ની સપાટીએ તથા નિફ્ટી 324 પોઇન્ટની તેજીમાં 8,641ની સપાટીઅ બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં 1564 પોઇન્ટની વધઘટ આવી હતી. મધ્યમ અને નાના વર્ગને કોરોના લોકડાઉનમાં રાહત થાય તેવી સંખ્યાબંધ જાહેરાતો કરી હતી. તેની અસરે બજારનું માનસ સુધર્યું હતુ. બાંકિંગ શેરોમાં જોરદાર તેજી આવી હતી. ઇન્ડુસઇન્ડ બેંક, એલટી, બજાજ ફાયનાન્સ, ભારતી, બજાજ ઓટો અને એચડીએફસીમાં તીવ્ર ઉછાળો હતો. ખાનગી બેંકોમાં તેજી સૌને ધ્યાને ચડી હતી.
ઇન્ડુસઇંડ બેંક 45 ટકા અને બંધન બેંક 39 ટકા વધ્યો હતો. અશોક લેલેન્ડમાં 25 ટકા અને પીઇએલમાં 20 ટકાની તેજી હતી. બીજી તરફ પૂરપાટ તેજી નોંધાવી ચૂકેલો યસ બેંક રોજેરોજ તૂટી રહ્યો છે. આજે 10 ટકાના ગાબડાંમાં શેરનો ભાવ રુ. 26.65 થઇ ગયો હતો.
અમેરિકાની સેનેટ અને વ્હાઇટ હાઉસ 2 ટ્રીલીયન ડોલરના પેકેજની જાહેરાત માટે સહમતિ સાધી છે. અર્થતંત્રને આગળ ધપાવવા માટે આરોગ્યની સગવડ, ધંધા પાણી અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેનું પેકેજ છે.
આર્થિક પેકેજને વખાણતાં રાહુલ
સોનિયા ગાંધીનું લોકડાઉનને સમર્થન
નવી દિલ્હી તા. 26: કોરોના ઉપદ્રવથી ઉદ્ભવતા આર્થિક દુષ્પરિણામોથી સમાજના નબળા વર્ગોના લોકોને રક્ષવા સરકારે રૂ. 1.7 લાખ કરોડના આર્થિક પેકેજની કરેલી જાહેરાતને કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ આજે સરકારને બિરદાવતા ટવીટ કર્યુ હતું કે ‘પેકેજની ઘોષણા સરકારનું સાચી દિશામાંનું પ્રથમ કદમ છે. ભારત, હાલના લોકડાઉનનો બોજ ખમી રહેલા તેના ખેડૂતોનું, રોજમદારોનું, શ્રમિકોનું, મહિલાઓનું અને વૃદ્ધજનોનું કરજદાર છે.’ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે ‘તેમનો પક્ષ 21 દિવસના લોકડાઉનને ટેકો આપે છે અને અમે સરકારને સહકાર આપશું. કોગ્રેસ આ રાષ્ટ્રીય કટોકટી વેળાએ દેશવાસીઓની પડખે છે.’
કોરોનાનો ફેલાવો જોતાં રાહુલ ગાંધીએ આર્થિક પેકેજ/ લોકડાઉનની માગણી કરી હતી.
સોનિયા ગાંધીએ પત્રમાં તેની સૂચિત ન્યાય સ્કીમના અમલીકરણની અને આરોગ્ય કાર્યકરોને સહાયની માગણી કરી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer