કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને પેટ્રોલ પમ્પો નિશ્ચિત સમયે ખૂલ્લા રહેશે

કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને પેટ્રોલ પમ્પો નિશ્ચિત સમયે ખૂલ્લા રહેશે
રાજકોટમાં સવારે 8 થી 11, જૂનાગઢમાં સવારે 8 થી 10 અને રાજયમાં પેટ્રોલ પમ્પ સવારે 8 થી 4 ખુલ્લા રહેશે
રાજકોટ,  તા.25 : વિશ્વભરમાં પ્રસરેલા કોરોના વાયરસને લઇને દેશભરમાં જાહેર કરાયેલ લોકડાઉન અંતર્ગત રાજકોટ સહિત તમામ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે.
રાજકોટ: રાજકોટ   મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું  કે, શહેરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઈ જ કમી નથી. નાગરિકોને ચિંતા કરવાની જરાકારવા પણ જરૂર નથી. લોકો તેમનાં ઘરમાં આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ ના કરે.
રાજકોટમાં સવારે 8 થી 11 કરીયાણા સહિતની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ અને બપોરે 1 થી 3 દવાની દુકાનો ચાલું રહેશે.
રાજકોટ સહિત રાજયમાં પેટ્રોલ પંપ સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો દિવસભર ખુલ્લી રહેતી હોવાથી લોકોની અવર - જવર અને ભીડ વધતી હોય તે રોકવા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ એક હુકમ દ્વારા આવી દુકાનોનો સમય નિશ્ચિત કર્યો છે. તેમાં અનાજ - કરિયાણું, શાકભાજી, દૂધ અને મેડિકલ સ્ટોર માટે સવારે 8થી 10 અને બપોરે 3થી 5નો સમય નક્કી કરાયો છે તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓની હોલસેલ દુકાનો માટે સવારે 11થી 2નો સમય જાહેર કરાયો છે. આ ચીજોની હોમ ડિલિવરી માટે બપોરે 12થી 3 કરવાની રહેશે. આ સમય મર્યાદાનો અમલ કરવા માટે સત્તાવાળાઓની નિમણૂક કરવામાં આવી છે.
દીવમાં સવારે 9 થી 1
દીવ  ડિસ્ટ્રીકટના વેપારીઓ દ્વારા દીવ પ્રશાસન  દ્વારા આખો દિવસ દુકાનો ખુલ્લી રાખવાના આદેશ છતાં કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે દિવ ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના કરીયાણાના વેપારી સવારે 9 થી 1 સુધી ખુલ્લી રાખશે અને બપોર પછી સ્વૈચ્છીક રીતે બંધ રાખશે.
જેતપુર: પોલીસે જીવન જરૂરિયાત દુકાનદારોને સવારે 7થી 11 વાગ્યા સુધી તેમજ ડેરી વિતરણ વસ્તુ સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખવા સુચના આપી છે.
તળાજા: જીવન આવશ્યક માલવહન કરતા   વાહન ચાલકો પરેશાન ન થાય તે માટે ડે.કલેક્ટરે સંબધીત વિભાગને સૂચના આપી છે. જામનગરમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળી રહે તે માટે કલેક્ટર રવિશંકરે આવી ચીજવસ્તુઓની દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ સંબંધિત વેપારીઓને આપી છે. જામનગર કલેક્ટરની રાહબરી હેઠળ આજે સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ 1500 ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેનું સેવાભાવી વ્યક્તિ અને પોલીસ દ્વારા વિતરણ કરાયું હતું.
મેંદરડાના ખેડૂત હરસુખભાઇ દુધાત્રાએ સરકારમાં રજુઆત કરી છે કે, ખેડૂતો પોતાના પાકનું પુરતા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે તે માટે ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓને પણ રોજ બેથી ત્રણ કલાક દુકાન ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer