અમદાવાદમાં કોરોનાથી વૃદ્ધાનું મૃત્યુ

અમદાવાદમાં કોરોનાથી વૃદ્ધાનું મૃત્યુ
અમદાવાદ, તા.25 : રાજ્યમાં 7 દિવસમાં કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે વિદેશથી પરત આવેલા 85 વર્ષીય વૃદ્ધાનું સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ થયું છે.  જેને પગલે રાજ્યનો મૃત્યુઆંક 2 થઈ ગયો છે. આજે દિવસ દરમિયાન 4 પોઝિટિવ કેસ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5 કેસ સામે આવ્યા છે. તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15,468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યારે 20,688 નાગરિકો 14 દિવસના ક્વોરન્ટાઈન હેઠળ છે.
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજે રાજકોટમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ડો.યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ વિસ્તારમાં 75 વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધાના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રના સેમ્પલ લઈને પરિક્ષણમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે વૃદ્ધાના 42 વર્ષિય પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં શહેર, ગ્રામ્ય અને અન્ય જિલ્લાના લેવાયેલા કુલ 68 સેમ્પલમાંથી શહેરના ચાર રિપોર્ટ પોઝિટિવ, 40 નેગેટિવ અને 6ના રિપોર્ટ બાકી છે. જ્યારે ગ્રામ્યના 13ના રિપોર્ટ નેગેટિવ અને એક રિપોર્ટ બાકી છે. અન્ય જિલ્લાના ચાર પૈકીના 3ના રિપોર્ટ નેગેટિવ અને એકનો રિપોર્ટ બાકી છે. શહેરમાં હાલ 32 દર્દી ક્વોરન્ટાઈન છે અને 1411 હોમ ક્વોરન્ટાઈન કરાયેલા છે.
આ અગાઉ આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દુબઈનો પ્રવાસ કરીને પરત આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સુરત અને વડોદરામાં આજના નોંધાયેલા કેસ લોકલ ટ્રાન્સમિસનના છે. અત્યારે અમદાવાદમાં 14, સુરત અને વડોદરામાં સાત-સાત, ગાંધીનગરમાં 6, રાજકોટમાં ચાર અને કચ્છમાં 1 પોઝિટિવ કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 39 થઈ છે.
ડો.જયંતિ રવિએ ઉમેર્યુ હતું કે રાજ્યમાં સંભવિત કોરોનાગ્રસ્ત વિસ્તારમાં 1,07,62,012 નાગરિકોનું સર્વેલન્સ કરાયું છે. જેમાંથી 20,688 દર્દીઓ 14 દિવસના ક્વોરન્ટાઈન હેઠળ છે. જેમાં 430 વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, 20,220 હોમ ક્વોરન્ટાઈન અને 38 ખાનગી ક્વોરન્ટાઈન હેઠળ છે. રાજ્યમાં આજે કુલ 131 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા  જેમાંથી 110ના પરિણામ આવ્યા છે.  જેમાં એક  કેસ પોઝીટીવ છે જ્યારે  એક કેસ અનિર્ણાયક છે. જ્યારે 21  ટેસ્ટ પડતર છે. જે એક કેસ આજે રાજકોટમાં પોઝિટિવ આવ્યો છે તે સ્થાનિક સંક્રમિત છે.
 
ગુજરાતમાં કોરોનાની પેટર્ન ચિંતાજનક
ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તે ચિંતાજનક છે. બે પોઝેટિવ કેસથી શરૂ થયેલી કોરોનાની ગુજરાત સફર પાંચ જ દિવસમાં 30ના આંકડા ઉપર આવી ગઈ છે. જો કે, ગુજરાતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે પરંતુ વડોદરા અને સુરતમાં કોરોનાગ્રસ્ત પરિવાર સામે આવ્યા છે, જેને લીધે કોરોના કમ્યુનિટી સ્ટેજમાં ફેલાઈ શકે છે. વિશ્વમાં પ્રથમ 1 લાખ કેસ 67 દિવસમાં, બીજા 1 લાખ કેસ 11 દિવસમાં, જ્યારે ત્રીજા 1 લાખ કેસ માત્ર 4 જ દિવસમાં નોંધાયા હતા. ડબલ્યુએચઓ જે પેટર્નની વાત કરી રહ્યુ છે તે જ પેટર્નથી ગુજરાતમાં કોરોના પોઝિટિવનો ગ્રાફ વધી રહ્યો છે. કોરોનાની ચેનને તોડવી ખૂબ આવશ્યક છે. જો કોરોનાની ચેન નહીં તોડી શકાય તો ભારતના હાલ ચીનથી પણ ખરાબ થવાની સંભાવના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer