શ્રમજીવી પરિવારોને વિનામૂલ્યે મળશે અનાજ

શ્રમજીવી પરિવારોને વિનામૂલ્યે મળશે અનાજ
રાજ્ય સરકારના નિર્ણયથી 60 લાખ શ્રમિક પરિવારોને લોકડાઉનમાં મોટી રાહત
 
- દવા, દૂધ, અનાજ, લોટનો પુરવઠો અવિરત જાળવવા મુખ્યમંત્રી રૂપાણીનું આયોજન: વેપારીઓને પાસ જારી થશે
- ખેડૂતોએ ટૂંકી મુદતના લીધેલાં ધિરણની ચુકવણીની મુદત વધારવા ને વ્યાજ રાહત માટે કેન્દ્ર સરકારને રજૂઆત
ગાંધીનગર, તા.25: કોરોના મહામારી ભારતમાં ભયંકરરૂપ ધારણ કરે તે પહેલા તેને અટકાવવા માટે 21 દિવસ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના પહેલા દિવસે આજે ગુજરાતમાં એકંદરે લોકો આ નવા સંજોગોને સાનુકૂળ થવાના પ્રયાસમાં દેખાયા હતા. તો બીજીબાજુ રોજમદારી કરીને પેટીયું રળતા લોકોની હાલતની ચિંતાઓ પણ ઉઠી હતી. જેનો તત્કાળ ઉકેલ લાવતા રાજ્ય સરકારે કુલ 60 લાખ જેટલા શ્રમજીવી પરિવારોના કુલ 3.25 કરોડ લોકોને લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની સમસ્યા ન પડે તે માટે રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યક્તિ દીઠ 3.પ0 કિલો ઘઉં, વ્યક્તિ દીઠ 1.પ0 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે અપાશે.
કરિયાણાના વેપારીઓ, દૂધના પાર્લર અને શાકભાજીના વિક્રેતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે પાસ ઇસ્યુ કરાશે. અશ્વિનીકુમારે આજે આ વિગતો આપતા જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને મુખ્યમંત્રીએ સુચના આપી દીધી છે અને તાત્કાલિક ધોરણે પાસ ઈસ્યુ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, દવા વગેરે નિયમિત અને પૂરતાં મળી રહે તે રીતે સપ્લાય ચેઇન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિલ્સ, પલ્સ મિલ્સ, દૂધ ઉત્પાદકો, સંઘો, મેડિકલ સ્ટોર એસો. વગેરે સાથે એક મહત્ત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ કરી સુચારુ આયોજન કર્યું હતું.
અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, શાકભાજી અને ફળફળાદીના વેપારીઓ કે અનાજ - કરિયાણાના વેપારીઓ ચીજ વસ્તુઓની હેરફેરમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈપણ અવરોધ ઊભો થાય તો 100 નંબરનો ઉપયોગ કરી શકશે. વેપારીઓ 100 નંબર ડાયલ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી શકશે.
રાજકોટમાં કલેક્ટર દ્વારા ત્રણ હજાર કર્મચારીઓનુ નેટવર્ક ઉભું કરીને રાશનકિટનું ડોર-ટુ-ડોર વિતરણ કરાવાનું નક્કી કરાયું છે. આ માટે સ્વીગી અને ઝોમેટોના નેટવર્કને પણ આવરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત સિટી સર્વે કચેરીના 400 કર્મચારીઓ અને વાહનો, તમામ બુથ લેવલ ઓફીસરોને મનપાને હવાલે કરાયા છે. ગોંડલમાં પ્રાંત અધિકારીએ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓના વેપારીઓને બોલાવીને ફરજીયાત ઘરે ઘરે ડીલવરી કરવા સુચના આપી હતી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી. જામનગર મ્યુની.ના ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફીસરની રાહબરી હેઠળ આજે ફાયર બ્રિગેડના 30 જવાનો તૈનાત રહેવા સુચના અપાઈ હતી. અમરેલી જિલ્લા કલેકટરે આજે બોલાવેલી બેઠકમાં શહેરમાં ગીચ વસ્તી ધરાવતી શાકમાર્કેટનું ફોરવર્ડ સ્કુલના મેદાનમાં સ્થળાંતર કરવાનું નક્કી કરાયું હતુ. આ સાથે દરેક વેપારીઓને લોકો સુધી વસ્તુઓ પહોચાડવા તાકીદ કરાઈ હતી. તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા 45 ગામમાં કોરોના કંટ્રોલ કમીટીની રચના કરાઈ હતી.
 
લોકોનાં બેન્કખાતામાં ડાયરેક્ટ જમા થશે રાહત ?
નવીદિલ્હી, તા.2પ: કોરોના મહામારી સામેનાં મહાજંગમાં ભારતે 21 દિવસનાં લોકડાઉનની અમલવારી શરૂ કરી દીધી છે ત્યારે ભારતનાં અર્થતંત્રને આ સ્થિતિમાં કથળતું બચાવવા માટે સરકાર 1.પ લાખ કરોડનાં રાહત પેકેજની ઘોષણા કરે તેવી સંભાવના છે. અન્ય એક અહેવાલ મુજબ પેકેજ 2.3 લાખ કરોડ રૂપિયાનું હોઈ શકે છે અને 10 કરોડ લોકોનાં બેન્કખાતામાં નાણા સીધા જમા કરાવી દેવામાં આવે તેવી પણ સંભાવના છે.
આ પ્રગતિથી જાણકાર સૂત્રોનાં હવાલેથી આવતાં અહેવાલો અનુસાર સરકારે હજી આ વિશે કોઈ અંતિમ નિર્ણય તો નથી કરી લીધો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણા મંત્રાલય અને રિઝર્વ બેન્ક વચ્ચે આ વિશે ગહન પરામર્શ ચાલી રહ્યો છે.
મંગળવારે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રને કોરોના સંકટમાંથી ઉગારવા માટે કેટલીક પ્રક્રિયાત્મક રાહતો જાહેર કરી હતી અને ત્યારે તેમણે પણ મોટા આર્થિક પેકેજની તૈયારી સરકાર કરી રહી હોવાનું જણાવ્યું હતું.
 
લોકડાઉનના 21 દિવસ આવશ્યક ચીજોની દુકાનો ખુલ્લી જ રહેશે
કેબિનેટની બેઠક પછી સરકાર
દ્વારા ફરી એકવાર સ્પષ્ટતા અને લોકોને જમાખોરી ન કરવા અપીલ
નવીદિલ્હી, તા.2પ: કોરોના વાયરસનાં પ્રકોપમાં દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતાં ગભરાયેલા લોકો પોતાનાં ઘરોમાં કરિયાણા સહિતની આવશ્યક ચીજો ભરવા લાગ્યા છે ત્યારે આજે સરકારે ફરીથી દેશની જનતાને ધરપત આપતા કહ્યું છે કે, બેબાકળા બનીને ખોટી ખરીદી કરવી નહીં કારણ કે સમગ્ર લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજોની દુકાનો ખુલ્લી જ રાખવામાં આવનાર છે. આ ઉપરાંત આગામી ત્રણ માસ માટે ઘઉં બે રૂપિયા અને ચોખા 3 રૂપિયા કિલોના ભાવે આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકાર ત્રણ માસનું રાશન એડવાન્સમાં આપી દેશે. દેશનાં 80 કરોડ લોકોને આ રાશન મળશે. કોઈપણ આવશ્યક ચીજની અછત સર્જાવા દેવાશે નહીં.
આ સાથે જ આજે સરકારે સ્પષ્ટતા પણ કરી હતી કે લોકડાઉનની વિસ્તૃત અવધિ દરમિયાન આવશ્યક ચીજોની દુકાનો પણ બંધ કરાવવામાં નહીં આવે. લોકો રઘવાટમાં ખરીદી કરશે તો સંગ્રહખોરી અને કાળાબજારને ઉત્તેજન મળશે. સામાન્ય દિવસોમાં જેવી રીતે દૂધ, કરિયાણું, ફળ-શાકભાજી મળતાં રહે છે તેવી જ રીતે હજી પણ મળતા રહેવાના છે.
આ ઉપરાંત કોઈ વેપારી કાળાબજાર કરતો પકડાય તો તેની સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, સરકાર સામાન્ય સ્થિતિમાં 7 રૂપિયાના ભાવે આપે છે તે ઘઉં 2 રૂપિયામાં કિલો આપશે અને રાજ્યોને પણ એડવાન્સમાં આવશ્યક સામાન મોકલવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ચોખા પણ 3 રૂપિયાના ભાવે આપવામાં આવશે.
 
કાળા બજારની કરો ફરિયાદ
નવી દિલ્હી, તા. 25  : લોકડાઉનની તકનો ફાયદો ઉઠાવીને ઘણી જગ્યાએ દુકાનદારોએ મનમાની શરૂ કરી દીધી છે અને ગ્રાહકો પાસેથી મનફાવે તેવી કિંમત વસુલવામાં આવી રહી છે. જો કે આવી પરેશાનીનો સામનો કરતા લોકો ઘરેબેઠા સરકારને ફરિયાદ કરી શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer