વાડીનારમાં પોલીસ પરના હુમલા પ્રકરણમાં ચાર શખસની ધરપકડ

ખંભાળિયા, તા.રપ : કોરોના વાયરસને અટકાવવાના ભાગરૂપે માંસ, મચ્છી, ચીકન, ઇંડા જેવા માંસાહાર આહાર વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય વાડીનારના ફોજદાર ચાવડા તથા સ્ટાફે વાડીનારમાં આવેલી મચ્છી પીઠમાં અમુક મહિલાઓ દ્વારા મચ્છીનું જાહેરમાં વેચાણ થતું હોવાની માહિતીના પગલે બંધ કરાવવા માટે ગયા હતા ત્યારે મામલો બિચકયો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને પોલીસ પર તથા વાહનો પર બેફામ પથ્થરમારો કરતા પોલીસમેન હસમુખભા અને એલ.આર.ડી.હરપાલસિંહ જાડેજાને તથા ગ્રામજન ભીખુભા જાડેજાને ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં ખસેડાયા હતા.  આ બનાવ અંગેની જાણ થતાં જિલ્લાભરની પોલીસ વાડીનાર ખાતે દોડી ગઈ હતી અને વાડીનારમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી અને મનીષ લતીફ સધાર, હાસમ અબ્બાસ ભગાડ, અકબર મામદ ભગાડ અને અસલમ અકબર ભગાડને ઝડપી લીધા હતા જ્યારે જલેખા ગની ભગાડ, બીલાલ કાસમ સુભણિયા,  ગની મામદ ભગાડ, રજાક ઉગર સધાર, મુસ્તાક અનવર ગંઢાર તેમજ વીડિયો ફૂટેજના આધારે અન્ય હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે પકડાયેલા ચારેય શખસોની આંકરી સરભરા કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer