ક્રિકેટ રમવાના ડખ્ખામાં ધિંગાણું : ચાર ઘાયલ : બન્ને જૂથના શખસોની ધરપકડ

ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધનું મૃત્યુ
રાજકોટ, તા.રપ : રૂખડિયાપરામાં ક્રિકેટ રમવાની બાબતમાં બે જુથ વચ્ચે છરી-ધોકા-પાઈપ ઉડતા ચાર શખસને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બન્ને જુથની ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.
રૂખડિયા પરામાં રહેતા અને લાઈટ ડેકોરેશનનું કામ કરતા રાજેશ રમેશ ચૌહાણ નામના યુવાને માઈકલ, હુશેન ઉર્ફે ગોલી અને સોનુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે આજ વિસ્તારમાં રહેતા અને માર્કેટ યાર્ડમાં ફ્રૂટનો ધંધો કરતા ઈમરાન ઉર્ફે માઈકલ અનવર સીપાઈ નામના શખસે રાજેશ ઉર્ફે ડોનિયો, સોહીલ ઉર્ફે બડો, મુસ્તુફા અને મોહસીન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ હોય રાજેશ ચૌહાણ તથા તેના મિત્રો સાહિલ અને મુસ્તુફા સહિતના ઘર પાસે ક્રિકેટ રમતા હતા ત્યારે ત્રણેય હુમલાખોરો આવ્યા હતા અને અહીં કેમ ક્રિકેટ રમો છો તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરી-ધોકાથી હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ ઈમરાન ઉર્ફે માઈકલ અને હુશેન ઉર્ફે ગોલી પર ધારિયા-પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે બન્ને પક્ષના હુમલાખોરોની ધરપકડ કરી હતી.
યુવતી : રણુંજા મંદિર પાસેના વેલનાથપરામાં રહેતી પુનમ વાલજીભાઈ વાંજા નામની કોળી યુવતીએ બે માસથી પથરીના દુ:ખાવાની બીમારીથી કંટાળી જઈ કેરોસીન છાંટી સળગી જતાં ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વૃદ્ધ : ખોરાણા ગામે વાડીમાં રહેતા કૃષાભાઈ પપ્પુભાઈ ઉદા નામના વૃદ્ધ વાડીએ હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer