શાકભાજી-દૂધના વાહનો રોકવાનું બંધ કરો

કોરોનાની અસરથી ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવા માગ
ક્ષ કિસાન સંઘના આગેવાનની રજૂઆત ધ્યાને લેવાશે ?
રાજકોટ, તા. 24: (ફૂલછાબ ન્યૂઝ) ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ સખીયા તથા જિલ્લા મંત્રી પ્રભુદાસ મણવર એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે સમગ્ર દેશમાં પણ વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વ હેઠળ જનતા કફર્યુ લોકડાઉન કે 144ની કલમ જેવા એલાન પણ સ્વયંભૂ સફળ બનાવી પ્રજા પર કટિબંધ બની છે ત્યારે તેની કેટલીક અસરો કિસાનોને પણ થઇ રહી હોવાના સમાચારો મળી રહ્યા છે. જેમાં ઘઉં, ચણા, જીરુ વિગેરેનાં ઉત્પાદન બજારોમાં લાવવાના સમયે જ સંપૂર્ણ માર્કેટ યાર્ડ એ વેપારો ઠપ થઇ ગયા છે અને આજે પણ આ સ્થિતિ કેટલા દિવસ ચાલશે તે અનિશ્ચિત છે. ત્યારે લાખો ખેડૂતોએ ખેતી માટે લીધેલા વાર્ષિક કૃષિ ધિરાણો કરવાનો પણ સમય થઇ ગયેલ હોય, જગતનો તાત ચિંતામાં છે.
ત્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દૂધાત્રા અને પ્રદેશ મહામંત્રી બી.કે. પટેલ દ્વારા પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને, કૃષિમંત્રી, સહકાર મંત્રી તેમજ નાબાર્ડમાં રજૂઆત કરી છે કે, આ વિશિષ્ટ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઇ, આવવા કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ કે રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી લીધા હોય તે ન ભરી શકાય તેવા સંજોગોમાં મુદત વીતી બાકીદાર નહીં ગણવા અને આ સમયગાળામાં પરિસ્થિતિની સમીક્ષા કરી 30-4 સુધીમાં જરૂર પડે વધુ સમય માટે લંબાવી આપવા ખાસ કિસ્સામાં નિર્ણય લઇ અથવા કે કન્વર્ઝન કરી આપવા જેવા નિર્ણયો કરવા જરૂરી છે, એવી રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત ડુંગળી સહિત શાકભાજી તે ઉત્પાદન પછી બગડી જાય તેવી જીવન જરૂરિયાતની ચીજો હોય તેના સપ્લાયની ગાડીઓ પણ રોકવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે સરકાર અને વહીવટી તંત્રને ભારતીય કિસાન સંઘની અપીલ કરી સહયોગ આપવા જણાવેલ છે.
ભારતીય કિસાન સંઘના જિલ્લા અદ્યક્ષ દિલીપ સખિયા કહે છે કે, કિસાનોએ આ વર્ષે સારાં વરસાદને લીધે પુષ્કળ વાવેતર કરેલું છે પણ બજારમાં વેચવા ગયા પછી પાછા ફરતી વખતે શાકભાજી હોતું નથી એવા સમયે વાહનોને રોકીને હેરાનગતિ કરવામાં આવે છે. વાહનો ડિટેઇન કરાતા હોવાની પણ રાવ છે. પરિણામે ખેડૂતો માલ યાર્ડમાં વેચવા આવતા ડરી રહ્યા છે. શાકભાજી ન વેંચે તો ખેતરોમાં બગાડ થાય તો કિસાનોને પણ આર્થિક નુકસાન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer