લોકડાઉન છતાં માર્કેટ યાર્ડોમાં અનાજની હરાજી કરવા હિલચાલ

ક્ષ આજે કલેક્ટર સાથે યાર્ડના સેક્રેટરી કરશે વિચાર-વિમર્શ : હરાજી ચાલુ થાય તો બીમારી વકરવાનો ભય
રાજકોટ, તા.25 (ફૂલછાબ ન્યૂઝ) : 21 દિવસના દેશવ્યાપી લોકડાઉન છતાં અનાજ-કઠોળની અછત ન થાય તે હેતુથી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકે પરિપત્ર બહાર પાડીને કોરોના-માર્ચ અંતને લીધે બંધ પડેલા માર્કેટ યાર્ડો શરૂ કરવા માટે કહ્યું છે. જોકે મજૂરોની ગેરહાજરી, વધુ લોકો એક સ્થળે જમા થવાના કારણે તથા ટ્રાન્સપોર્ટની અછત હોય વ્યાપક વિરોધ ઉઠયો છે. ખરેખર જો હરાજી શરૂ થાય તો લોકડાઉનનો કોઇ અર્થ સરે નહીં તેવી લાગણી વેપારી આલમમાં વ્યાપી ગઇ છે. યાર્ડો ચાલુ કરવા મુદ્દે કલેક્ટરો સાથે વિવિધ જિલ્લાના માર્કેટ યાર્ડોની વીડિયો કોન્ફરન્સ આવતીકાલે સવારે 11  વાગ્યે રાખવામાં આવી છે.
પરિપત્ર પ્રમાણે કોરોનાને ફેલાતો અટકાવવા સેનિટાઇઝર, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ તથા સાફસફાઇ જેવા પગલાં સાથે હરાજી ચાલુ કરવામાં કેવી રીતે આગળ વધી શકાય અને અનાજ-કઠોળ અને તેલિબિયાંની અછત ન થાય તે માટે સમિતિ સાથે બેઠક યોજીને હરાજીનું આયોજન કરવા માટે સૂચના અપાઇ છે.
જોકે આ મુદ્દે અગ્રણી માર્કેટ યાર્ડના સૂત્રોએ કહ્યું કે, આવતીકાલે કલેક્ટર કચેરીમાં
રાજકોટ ખાતેથી બેઠક છે. એમાં દરેક યાર્ડના સેક્રેટરી જોડાશે. એક તરફ કલેક્ટર દ્વારા વધુ લોકો એકઠાં ન થાય તે માટે શાકભાજીની હરાજી પણ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા વિચારણા ચાલે છે ત્યારે અનાજની હરાજી કેવી રીતે શક્ય છે ? જો એમ થાય તો મોટાં યાર્ડોમાં બે પાંચ હજાર લોકો એકઠાં થાય. આવા સંજોગમાં લોકડાઉનનો કોઇ અર્થ સરે નહીં.
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી કહે છે, કોરોનાને લીધે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. યાર્ડમાં હરાજી થાય તો ગામેગામથી માલ આવે. તે માલ ચડાવવા મજૂરો જોઇએ. નાના-મોટાં વાહન જોઇએ. એ ઉપરાંત યાર્ડમાં આવ્યા પછી ઉતાર-ચડાવ માટે મજૂરોની આવશ્યકતા રહે. વળી, ખરીદનારા વેપારી અને કમિશન એજન્ટોની હાજરી પણ જરૂરી છે.
મહામારી ફેલાતી અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે પણ એમાં જળવાય નહીં એવી શક્યતા છે. વળી, અત્યારે ટ્રાન્સપોર્ટ સેવા બંધ છે. મજૂરો વતનભણી જતાં રહ્યા છે એટલે હરાજી મુશ્કેલ છે. અતુલ કમાણી કહે છે, સ્ટોકિસ્ટો, બહુરાષ્ટ્રીય કંપનીઓ કે વેપારીઓ પાસે સ્ટોક હોય તે ગોદામોમાંથી બહાર લાવીને વેચાતો ખરીદીને સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે તો અનાજની કોઇ તંગી સર્જાય તેમ નથી.
શાકભાજીની હરાજી અત્યારે ચાલુ છે ત્યાં પણ અનેક લોકો એકત્ર થતાં હોવાથી રોગચાળો વ્યાપક બનવાનો ભય છે. આવી સ્થિતિમાં તેના વિકલ્પો વિચારાઇ રહ્યા છે ત્યારે અનાજ વિભાગનું કામકાજ શરૂ કરવાની પહેલ અત્યારે તો ટીકાપાત્ર બની છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer