જામનગર આવેલા 92 વિદેશ પ્રવાસી લાપતા

ક્ષ સૌરાષ્ટ્ર-કચ્છના 24 શંકાસ્પદ દરદીઓના નમૂના પરીક્ષણમાં: જામનગરના 28 લોકો ચેન્નાઈમાં ફસાયા
જામનગર, તા. 25 (ફૂલછાબ ન્યૂઝ): વિદેશ પ્રવાસ કરીને આવેલા જામનગર જિલ્લાનાં 92 જેટલા પ્રવાસીઓ આવ્યા પછી હજુ સુધી તેમનો કોઇ પત્તો નથી. વહીવટી તંત્ર દ્વારા તેમની શોધખોળ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમનાં નામોની યાદી તૈયાર કરી સોશિયલ મીડિયામાં પણ ફરતી કરાઈ છે અને આ અંગે કોઇ માહિતી મળે તો તેની જાણ વહીવટી તંત્રને કરવા અનુરોધ કરાયો છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે કોરોના વાયરસના 24 શંકાસ્પદ દરદીઓના સેમ્પલો પરીક્ષણ માટે આવ્યાં છે. જેમાં જામનગરના 2, દ્વારકાના 1, રાજકોટના 15, મોરબીના 3, ભુજના 2 અને પોરબંદરના 1 દરદી છે.
ખોડલધામ સમિતિ-કાગવડ સમિતિના કેટલાક યુવાનો દ્વારા 2500 ફૂડ પેકેટ જિલ્લા વહીવટી તંત્રને સોંપાયા હતા. નારસંગભાઈ ઠાકોર અને તેમના પરિવાર દ્વારા હોસ્પિટલના દરદી, ટ્રાફિક પોઇન્ટ ઉપરના કર્મચારી, સફાઈ કામદારો અને હોમગાર્ડઝના સભ્યોને ચા-પાણી, બિસ્કિટ અને અન્ય સંસ્થાના યુવાનો દ્વારા દરદીઓ અને તેમના સગાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના 28 યાત્રાળુઓ દક્ષિણ ભારતમાં   પ્રવાસે ગયા હતા. તેઓની રિટર્ન ટિકિટો કેન્સલ થઈ જતાં ચેન્નઈમાં ફસાયા છે. તેઓ ત્યાંની લોહાણા સમાજની વાડીમાં આશરો લઈ રહ્યા છે પરંતુ પૈસા ખૂટી જતાં હવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેઓએ એક વીડિયો જાહેર કરી ચેન્નઈનાં સ્થાનિક તંત્ર અને ગુજરાતના મુખ્યમંત્રીને આવશ્યક મદદ કરવા અનુરોધ કરાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer