કોરોના સંક્રમણ સામે સહાયનો ધોધ


કોરોનાની લડત સામે સરકારને સહયોગી બનવા દાતાઓ, સંગઠનો, સંસ્થાઓ મેદાનમાં આવી: રાજ્યના શિક્ષકો એક દિવસનો પગાર 35 કરોડ અર્પણ કરશે
રાજકોટ, તા. 25: કોરોના સામેની લડત હવે વિશ્વ યુધ્ધ જેવી બનતી જાય છે, સંક્રમણને અટકાવવા હવે સહાયનો પ્રવાહ શરૂ થયો છે. ઠેર-ઠેરથી વ્યક્તિગત, સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ફંડ અર્પણ કરવામાં આવી રહ્યાં છે.
બે લાખ શિક્ષકો એક દિવસનો પગાર આપશે
મેડાસા : રાજ્યના 2 લાખ જેટલા પ્રાથમિક શિક્ષકોની દરિયાદિલી દેખાડી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ રાજ્યમાં ફરજ બજાવતા 2 લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો એક દિવસનો 35 કરોડ રૂપિયા પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની મહત્ત્વની જાહેરાત કરી હતી.
જીટીયુના કર્મચારીઓ એક દિવસનો પગાર આપશે
અમદાવાદ : સરકારને મદદરૂપ થવાના હેતુસર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં જીટીયુના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુણવંત ભાદાણીએ સવા લાખ અર્પણ કર્યા
રાજકોટ : શ્રી સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી દાતા ગુણવંતભાઈ ભાદાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા. 1,25,000નું દાન આપ્યું છે.
દ્વારકા જિલ્લા રોગી કલ્યાણ સમિતિને રૂા. 25 લાખ
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ રોગ સામે લડત આપવા ઉચ્ચ કક્ષાએથી અહીંની રોગી કલ્યાણ સમિતિને રૂપિયા 25 લાખ ફાળવવામાં આવી હોવાની માહિતી જિલ્લા કલેક્ટરે આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનાજ, દૂધ વિગેરેના ખરીદી તથા વેચાણ અંગેની તંત્ર દ્વારા સંપૂર્ણ છૂટ છે ત્યારે હાલમાં અમલી એવા 144ની કલમના જાહેરનામાનો ભંગ ન થાય તે માટે ગ્રાહકોએ તેઓની ખરીદી માટેનું લીસ્ટ દુકાનદારોને આપી, આવી દુકાનો બિનજરૂરી ગિરદી ન કરવા તથા જાહેરનામાનો ભંગ ન થાય તે જોવાની અપીલ કરી હતી. આ જાહેરનામાનો ભંગ થયે દુકાનદાર જ જવાબદાર થશે તેમ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યો 10 લાખ ફાળવશે
અમદાવાદ: કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી રૂા.10 લાખ ફાળવશે. આ અંગે સ્થાનિક જિલ્લા આયોજન અધિકારીને જરૂરી સૂચના આપવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે.
મોહનભાઈ કુંડારિયાએ 1 કરોડની ગ્રાંટ ફાળવી
મોરબી: સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ માટે આરોગ્યની સારવાર માટેના મેડિકલ સાધનોની સુવિધા માટે એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
ભાજપના ધારાસભ્યો 1 માસનો પગાર આપશે
અમદાવાદ : ભાજપના 103 ધારાસભ્યોએ એક મોટી જાહેરાત કરીને તેઓનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં સહાયરૂપે આપશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હતી.
સાંસદ રાજેશ ચુડાસમાએ
48 લાખની ગ્રાન્ટ ફાળવી
 ગીર સોમનાથ જિલ્લામાં નોવેલ કોરોના સંક્રમણને નાથવા અંગે સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન સહિતની સારવારની સુવિધા વધારવા માટે લોકસભા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ વિકાસ યોજના અંતર્ગત રૂ.48 લાખ જિલ્લા ફાળવ્યા છે. સરકારી હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઇન, ઓક્સિજન જમ્બો સિલિન્ડર, એડલ્ટ વેલ્ટીનેટર, પોર્ટેબલ એક્સરે મશીન, પોર્ટેબલ સેક્શન મશીન, થર્મલ સ્કેનર ગન સહિત 13 મેડિકલ સાધનો ખરીદવા અધિકારી ભાવનાબા ઝાલાએ રૂ.48 લાખની ગ્રાન્ટને વહીવટી મંજૂરી આપી છે.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના સંકટ સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 11 લાખ ફાળવ્યા છે.
ઉમરાળા શિક્ષણ જગત
ઉમરાળા: ઉમરાળાની પો.મૂ.સર્વોદય હાઇસ્કૂલ અને ડી.એસ.સલોત ગર્લ્સ હાઇસ્કૂલના તમામ કર્મચારીઓએ, કોરોનાના કારણે ઊભી થયેલ સંકટની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને સહાય કરવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનો એક દિવસનો પગાર આપવાનું નક્કી કર્યું છે. શાળા સ્ટાફ કક્ષાની આ પહેલને ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસે આવકારેલ છે.
 
 
 
રાજકોટના શાળા જગત દ્વારા સહાય
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જિલ્લાના સર્વે શિક્ષણ જગતને અપિલ કરતાં આ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ અપિલને ઝીલી લેતા ડીઈઓના માર્ગદર્શનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રૂપિયા 11 લાખ મુખ્યમંત્રી ફંડમાં જમા કરાવશે. આ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, ભરતભાઈ ગાજીપરા વગેરે  કાર્યરત છે. જ્યારે રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાની  સંકલન સમિતિ કે જેમાં રાજકોટ શહેર, જિલ્લા આચાર્ય સંઘ, રાજકોટ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, રાજકોટ શહેર, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, રાજકોટ જિલ્લા વહીવટી કર્મચારી સંઘના તમામ આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર મુખ્યમંત્રી ફંડમાં આપવાની જાણ કરાઈ છે.
જ્યારે રાજકોટ જિલ્લા સરકારી શાળા શિક્ષણ સેવા વર્ગ-3ના હોદેદાર સિધ્ધરાજસિંહ ઝાલા વગેરે દ્વારા 2,21,000 મુખ્યમંત્રી ફંડમાં અપાશે. જ્યારે ડીઈઓની અપિલને પગલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા પણ રૂપિયા 1 લાખ ફંડમાં આપનાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે ઉમેર્યું છે.
મુખ્યમંત્રી રાહત ફંડ
કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા રાજ્ય સરકારે પણ અપીલ કરી છે. આ બેન્ક ખાતામાં ઓનલાઈન જમા કરાવી શકે છે.
CMRF BANK DETAILS,A/C NAME : CHIEF  MINISTER'S RELIEF FUND, A/C NO. 10354901554, SAVINGS BANK ACCOUNT, SBI, NSC BRANCH (08434), IFSC : SBIN0008434. િજલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરોને પણ આ ફાળાના ચેક સ્વીકારશે તેમ વધુમાં જણાવાયું છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer