બ્રિટનનો શાહી પરિવાર કોરોનાની ચપેટમાં

બ્રિટનનો શાહી પરિવાર કોરોનાની ચપેટમાં
પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ, તેમનાં પત્ની નેગેટિવ: મહારાણીએ મહેલ છોડયો
લંડન, તા.2પ: કોરોના મહામારી બ્રિટનમાં હાહાકાર મચાવતી હોવા છતાં ત્યાં લોકડાઉનને અવગણીને પ્રજા બેરોકટોક એકત્ર અને અવરજવર કરતી હોવાથી દુનિયાભરમાં ટીકાપાત્ર બની છે ત્યારે હવે સામે આવ્યું છે કે બ્રિટનનો શાહી પરિવાર પણ ઘાતક કોરોના વાયરસની અડફેટમાં આવી ગયો છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. તે સ્કોટલેન્ડમાં આઇસોલેશનમાં છે. જ્યારે તેમનાં પત્ની કેમિલાના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
થોડા દિવસ પૂર્વે ચાર્લ્સની મુલાકાત મોનેકાના પ્રિન્સ આલ્બર્ટ સાથે થઈ હતી અને તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પ્રિન્સ ચાર્લ્સના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પ્રિન્સ ઓફ વેલ્સને બીમારીના થોડા લક્ષણો છે પણ તેમની તબિયત સ્વસ્થ છે. તેઓ હાલ એકાંતવાસમાં છે અને પોતાના નિવાસેથી જ કામ કરી રહ્યા છે. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ પણ અગાઉથી જ બર્મિંઘમ પેલેસ છોડી દીધો છે. તેમને વિંડસર કેસલમાં રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ત્રણ સપ્તાહનું લોકડાઉન જાહેર કરેલું છે અને સખત પ્રતિબંધો લાગુ કર્યા છે. આમછતાં બ્રિટનની શિષ્ટ ગણાતી પ્રજાએ આ લોકડાઉનની ગંભીર અવગણના કરી છે અને ત્યાં બેરોકટોક પરિવહન જારી રહ્યું છે. જેને પગલે ખાસ કરીને લંડન દુનિયાભરમાં ટીકાપાત્ર બન્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer