‘21 દિ’માં જીતવાનું છે કોરોના સામે યુદ્ધ ’

‘21 દિ’માં જીતવાનું છે કોરોના સામે યુદ્ધ ’
‘મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું’ : પીએમની વારાણસીના લોકો સાથે વાતચીત
વારાણસી, તા. 25 : કોરોના વાયરસને નાથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં  21 દિવસોના લોકડાઉનની જાહેરાત કરી છે. એ પછી બુધવારે તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે સંવાદ કર્યો અને તેમના સવાલોનો જવાબ આપ્યા હતા. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને કહ્યું કે, નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા થાય છે, તેમને પ્રકૃતિની દેવી પણ કહેવાય છે. આજે દેશ જે સંકટના સમયમાંથી પસાર થઇ રહ્યો છે, એમાં આપણે તેમના આશીર્વાદની જરૂર છે. મારી માતા શૈલપુત્રી પાસે અપેક્ષા છે કે, કોરોના મહામારીની સામે દેશે જે યુદ્ધ છેડયું છે, તેમાં આપણે વિજય મળે.
તેમણે કહ્યું કે, ‘કાશીનો સાંસદ હોવાના નાતે મારે આવા સમયે તમારી વચ્ચે હોવું જોઇએ. પરંતુ અહીં દિલ્હીમાં  જે થઇ રહ્યું છે, તેનાથી તમે પરિચિત છો. અહીંની વ્યસ્તતાની વચ્ચે હું સતત કાશીથી અપડેટ લઇ રહ્યો છું. યાદ કરો, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું. કોરોનાની સામે જે યુદ્ધ આપણે લડી રહ્યા છીએ, તેમાં 21 દિવસ લાગશે. મહાભારતના યુદ્ધના સમયે કૃષ્ણ સારથિ હતા, આજે 130 કરોડ સારથિઓના બળે આપણે  યુદ્ધ જીતવાનું છે. વડાપ્રધાને કહ્યું કે,  કોરોનાની સામે આ  યુદ્ધમાં કાશીના લોકોની મહત્ત્વની ભૂમિકા રહેશે. લોકડાઉનના સમયમાં કાશી દેશને સંયમ, સમન્વય અને સહનશીલતા શીખવે છે. કાશીનો અર્થ જ કલ્યાણ છે. મહાદેવની નગરીમાં એ સામર્થ્ય નહીં હોય તો કોનામાં હશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer