દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 641, મૃત્યુઆંક 12

દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 641, મૃત્યુઆંક 12
લોકડાઉનના પહેલાં દિવસે અમુક સ્થળે ખરીદીનો ધસારો : નિયમોનું પાલન ન કરતા લોકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું :  તમિલનાડુ, મધ્યપ્રદેશમાં એક-એક મૃત્યુ : દુનિયામાં સંક્રમિત લોકોની સંખ્યા 4.5 લાખ, ઈટાલી, સ્પેન, અમેરિકા સહિતના દેશોની સ્થિતિ ભયાનક
નવી દિલ્હી, તા. 25 : કોરોના વાયરસ સામેની જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષિત કરેલા 21 દિવસના લોકડાઉનના પહેલાં દિવસે લોકો પરિસ્થિતિમાં ઘડાવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ઘણાં સ્થળોએ જીવનજરૂરી વસ્તુઓ માટે ધસારો રહ્યો હતો અને અમુક સ્થળે લોકોમાં શિસ્તનું પાલન થતું જોવા મળ્યું હતું. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી જીવનજરૂરી વસ્તુઓની ઘટ ન પડે તે સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી હતી. આમ લોકડાઉનનો પહેલો દિવસ સામાન્ય રીતે અસરકારક રહ્યો હતો. જો કે અમુક લોકો હજી પણ પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વિના ઘરની બહાર નીકળતા હોવાથી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. લોકડાઉન વચ્ચે પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 641 થઈ હતી. જ્યારે મૃત્યુઆંક 12 થયો હતો. આજે મધ્યપ્રદેશમાં પહેલું મૃત્યુ નોંધાયું હતું. જ્યારે તમિલનાડુમાં એકે જીવ ગુમાવ્યો હતો. દુનિયાની વાત કરવામાં આવે તો યુરોપ, અમેરિકા અને બ્રિટનની હાલથ વધુને વધુ ગંભીર બની રહી છે. દુનિયાભરમાં સાડા ચાર લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 19744 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકા, ઈટાલી, સ્પેન અને બ્રિટનમાં મૃત્યુનો દર ચિંતાજનક રીતે ઉંચકાઈ રહ્યો છે.
ઈટાલીમાં અત્યાર સુધીમાં 6820 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીનો મૃત્યુઆંક ચીન કરતા પણ બમણો થયો છે. બીજી તરફ ચીનમાં કુલ મૃત્યુદર 3281 છે. સ્પેનનો પણ મૃત્યુદર ચીન કરતા વધીને 3434 થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ઈરાનમાં 2077, અમેરિકામાં 785, ફ્રાન્સમાં 1100, બ્રિટનમાં 433,  નેધરલેન્ડમાં 356 અને જર્મનીમાં 181 લોકો કોરોના વાયરસનો ભોગ બની ચૂક્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા 1022 થઈ ચૂકી છે. જ્યારે 8 લોકોના મૃત્યુ થયા છે. દરેક દેશમાં કોરોના વાયરસ પોતાનો પ્રકોપ વધુને વધુ ફેલાવી રહ્યો છે. તેવી જ સ્થિતિ ભારતમાં થઈ રહી છે અને અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 641 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઈન્દોરમાં વધુ એક મૃત્યુ થતાં કુલ આંક 11 થયો હતો. બુધવારે મધ્યપ્રદેશમાં પહેલું મૃત્યું નોંધાયું હતું. આ દરમિયાન દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી નવા કેસ સામે આવ્યા હતા.
બીજી તરફ વાહન વ્યવહાર બંધ થયો હોવાથી ગુજરાત સહિતના રાજ્યોમાંથી પરપ્રાંતીય મજૂરો પોતાના વતનભણી પગપાળા ચાલી નીકળ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.
આજે કોરોના વાઇરસની ઝપેટમાં આવીને ભારતીય મૂળના સેલીબ્રીટી શેફ ફલોએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer