મહામારીને લીધે ઓલિમ્પિક પહેલીવાર સ્થગિત

મહામારીને લીધે ઓલિમ્પિક પહેલીવાર સ્થગિત
અગાઉ 1916, 1940 અને 1944માં યુદ્ધના લીધે ઓલિમ્પિક રદ થયા હતા
ટોકિયો, તા.2પ: કોરોના વાઇરસની મહામારીને લીધે આ વર્ષે 24 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન ટોકિયો ઓલિમ્પિક આવતાં વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે કોઈ મહામારીને લીધે ઓલિમ્પિકને ટાળી દેવામાં આવ્યો હોય. આ પહેલા 1916, 1940 અને 1944માં વિશ્વ યુધ્ધને કારણ કે ઓલિમ્પિક રદ્દ થયા હતા. જ્યારે રાજનીતિક બહિષ્કારને લીધે મોસ્કો ઓલિમ્પિક-1980 અને આતંકવાદને લીધે મ્યુનિચ ઓલિમ્પિક-1972ને અસર થઈ હતી. જો કે આ બન્ને ઓલિમ્પિકનો સંપૂર્ણ બહિષ્કાર થયો ન હતો અને રદ્દ થયા ન હતા.
ઓલિમ્પિકના ઇતિહાસ અનુસાર 1916નો બર્લિન ઓલિમ્પિક માટે જર્મનીએ ભારે તૈયારી કરી હતી. જૂનમાં બર્લિન સ્ટેડિયમમાં ટેસ્ટ સ્પર્ધાઓ પણ શરૂ થઈ ગઈ હતી. તેના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના આર્કડયુક ફ્રેંક ફર્ડિનેંડ અને તેમનાં પત્નીની હત્યા થઈ. આ પછીનો ઘટનાક્રમ પ્રથમ વિશ્વ યુદ્ધનું કારણ બન્યો. જેથી બર્લિન ઓલિમ્પિક થઈ શક્યો નહીં.
1940ના ઓલિમ્પિકનું આયોજન જૂડોના આવિષ્કાર કરનાર ખેલાડી જિગોરો કાનોની આગેવાનીમાં યોજાવાનો હતો. આ દરમિયાન જાપાન અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું. રાજનીતિક દબાણ વધતા જાપાને 1940ના ટોકિયો ઓલિમ્પિકમાંથી હાથ પાછા ખેંચી લીધા. જો કે ટોકિયોને 1964માં ફરી ઓલિમ્પિકનું યજમાન પદ મળ્યું અને તે ઓલિમ્પિકનું આયોજન કરનારો એશિયાનો પહેલો દેશ બન્યો. આ પછી ટોકિયોને ફરી 2020નું ઓલિમ્પિકનું યજમાનપદ મળ્યું હતું પણ કોરોના વાઇરસની મહામારીને લીધે તે હવે એક વર્ષ માટે સ્થગિત થયું છે અને વર્ષ 2021માં યોજાશે તેવું જાહેર થયું છે.
1944નો ઓલિમ્પિક લંડનમાં યોજાવાનો હતો, જો કે લંડનને યજમાનપદ મળ્યાના ત્રણ માસ બાદ જ બ્રિટન અને જર્મન વચ્ચે યુદ્ધ છેડાઈ ચૂક્યું હતું. આથી ઓલિમ્પિકને પડતો મુકાયો હતો. આ ઉપરાંત ઇટાલીમાં રમાનાર વિન્ટર ઓલિમ્પિક પણ કેન્સલ થયો હતો. લંડનને બાદમાં 1948નું ઓલિમ્પિક યજમાનપદ ફરી સોંપાયું, પણ તેમાં જાપાન અને જર્મનીએ ભાગ લીધો ન હતો. જ્યારે 1980ના મોસ્કો ઓલિમ્પિક વખતે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ ચરમ પર હતું. આથી અમેરિકા તરફથી 70થી વધુ દેશોએ મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. આથી મોસ્કો ઓલિમ્પિકમાં લગભગ 80 દેશ જ સામેલ થયા હતા ત્યારે ભારતે તેનો હોકીમાં આખરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer