પોરબંદર પાસે ઝૂંપડું સળગતા ત્રણ બાળક ભડથું

પોરબંદર પાસે ઝૂંપડું સળગતા ત્રણ બાળક ભડથું
હનુમાનગઢ ગામની સીમમાં બનેલી ઘટના: બે સગા ભાઇ-બહેન અને એક અન્ય બાળકનાં મૃત્યુ
(ફૂલછાબ ન્યૂઝ)
પોરબંદર, તા. 14:  પોરબંદર પાસેના હનુમાનગઢ ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરીએ આવેલા પરપ્રાંતિયોના ઝૂંપડામાં ભભૂકેલી આગમાં બેથી ચાર વર્ષના ત્રણ માસુમ બાળક સળગીને ભડથુ થઇ ગયા હતાં જ્યારે ચાર બાળકનો બચાવ થયો હતો.  મૃતકમાં બે સગા ભાઇ-બહેન અને અન્ય એકનો સમાવેશ થાય છે. ચુલામાંથી આગ ભભૂકી હોવાની શંકા વ્યકત કરાઇ હતી.
પોરબંદરના હનુમાનગઢથી તરસાઇ ગામ તરફ જતાં રસ્તે આવેલી વિજયભાઇ કેશવાલાની વાડીમાં મધ્યપ્રદેશથી ખેતમજૂરી માટે પરપ્રાંતિય પરિવારો આવ્યા છે. આ લોકો ઝૂંપડા બાંધીને રહે છે. બપોરના પોણા બે વાગ્યાના સુમારે પરિવારના મોટી ઉંમરના લોકો ખેતરમાં મજૂરી કરતા હતાં અને બાળકો ઝૂંપડામાં રમતા હતાં ત્યારે અચાનક જ કોઇ કારણોસર વાંસના ઝૂંપડામાં આગ ભભૂકી હતી. પવનનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સમગ્ર ઝૂંપડુ આગની લપેટમાં આવી ગયું હતું. જેનામાં ઝૂંપડામાં રહેલા બેથી ચાર     વર્ષના બાળકોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ખેતરમાં કામ કરતાં બાળકોના પરિવારજનો કાંઇ સમજે તે પહેલા મુકેશભાઇ બામણિયાના બે સંતાન ત્રણ વર્ષનો રવિ અને બે વર્ષની નિર્મલા તથા એક  વિધવા મહિલા હીરાબહેનની પુત્રી લક્ષ્મી દિલીપભાઇ મસાણિયા આગમાં સળગીને ભડથુ થઇ ગયા હતાં.
આગના બનાવના પગલે આજુબાજુના ખેતરમાં રહેતા લોકો દોડી આવ્યા હતાં અને આગને ઠારવા માટે  ડોલથી પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં નજીકના કૂવામાંથી મોટર દ્વારા નળીથી પાણી છાંટવામાં આવ્યું હતું પણ જોત જોતામાં આખુ ઝૂંપડું સળગીને ખાક થઇ ગયું હતું. આગમાં સળગી ગયેલા ત્રણેય માસુમ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આગના કારણે પરપ્રાંતિય પરિવાર પર વજ્રઘાત થયો હતો અને મૃતકના પરિવારજનોનું આક્રંદ પથ્થર હૃદયના માનવીની આંખમાં પણ પાણી લાવી દે તેવું હતું.
ચાર બાળક બચી ગયા
આગના બનાવમાં ચાર માસુમ બાળક બચી ગયા હતાં. આ ચારેય ઝૂંપડાની બહાર રમતા હતાં. આગ ભભૂકતા જ એ ચારેય દોડીને દૂર જતાં રહ્યા હતાં. તેનાં કારણે તે બચી ગયા હતાં.
ચુલાનાં કારણે આગ ભભૂકયાનું તારણ
ઝૂંપડામાં કયાં કારણે આગ લાગી તે બહાર આવ્યું નથી પરંતુ ઝૂંપડામાં ચુલો સળગતો હતો અને બાળકો ત્યાં રમતા હતાં. તેમાંથી કોઇ કારણોસર તણખો કે દેતવા વાંસને સ્પર્શી જતાં આગ લાગી હોવાનું તારણ છે.
ઘરવખરી ખાક
આગ લાગી હતી તે ઝૂંપડુ અડધુ પથ્થરની દિવાલનું અને અડધુ  લાકડા, વાંસ, તાળીના પાંદડા અને પ્લાસ્ટિકની તાલપત્રીથી બનેલી હતું. આગના કારણે ઝૂંપડામાં રહેલી ઘરવખરી સળગીને ખાક થઇ ગઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer