કાશ્મીર મુદ્દે તુર્કી થયું દોઢડાહ્યું !

કાશ્મીર મુદ્દે તુર્કી થયું દોઢડાહ્યું !

પાક. માટે કાશ્મીર જેટલું મહત્વનું છે એટલું જ  તુર્કી માટે પણ છે !
કાશ્મીરમાં અત્યાચાર થયાનો દાવો કરતા તુર્કીનાં રાષ્ટ્રપતિએ પાક.ને બિનશરતી ટેકો જાહેર કર્યો
 
નવીદિલ્હી, તા.14: હવે તુર્કીએ અવિચારી ઢબે કાશ્મીર મામલે માથું મારવાનો પ્રયાસ કર્યો છે. તુર્કીનાં રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને પાકિસ્તાની સંસદનાં બન્ને ગૃહોને સંબોધન કરતાં એવું નિવેદન આપી દીધું છે જેનાથી ભારત સાથે તેનાં સંબંધો વણસવાની પૂરી સંભાવના છે. એર્દોગાને કહ્યું હતું કે, કાશ્મીરમાં જુલમ થઈ રહ્યો છે અને તેઓ ચુપ રહેશે નહીં. આટલું જ નહીં પણ તેમણે તો પાક. વડાપ્રધાન ઈમરાન ખાનને બિનશરતી ટેકો આપવાનો હુંકાર પણ કરી નાખ્યો હતો.
એર્દોગાનનું આખું ભાષણ ઈસ્લામ અને મુસલમાનની આજુબાજુ ભમતું રહ્યું હતું. મુસ્તફા કમાલ પાશા ઉર્ફ અતાતુર્કની ધર્મનિરપેક્ષા સાંસ્કૃતિક વિરાસતથી વિપરિત એર્દોગાન જાણે આખી દુનિયાનાં મુસ્લિમોનો ઠેકો લેવાનો પ્રયાસ કરતાં હોય તેવી ભાષામાં બોલ્યા હતાં. તેમણે કહ્યું કે, જમીન ઉપર ખેંચાયેલી કોઈપણ લકીર-સીમા ઈસ્લામ માનનારાઓને જુદા પાડી શકતી નથી. તેમણે આગળ કહ્યું હતું કે, પાક. માટે જેટલું કાશ્મીર મહત્વનું છે એટલું જ મહત્વનું તુર્કી માટે પણ છે.
એર્દોગાને ટ્રમ્પને પણ પોતાનાં ભાષણમાં લપેટતા કહ્યું હતું કે, મધ્યપૂર્વમાં અમેરિકાનાં શાંતિ અભિયાન પાછળ પણ આક્રમણખોર દાનત છે. મુસ્લિમો મરી રહ્યા છે અને હવે તમામ ઈસ્લામિક દેશોને એક થવાની જરૂર છે.
આતંકવાદનાં જનક પાકિસ્તાનને જ તેમણે આતંકપીડિત દેશ ગણાવી નાખ્યો હતો. ઈમરાન અને અન્ય સાંસદોનાં તાળીઓનાં ગડગડાટ વચ્ચે તેમણે એવું પણ કહ્યું હતું કે, એફએટીએફની બેઠકમાં તેઓ પાક.નું બિનશરતી સમર્થન કરશે. તેમણે પાક.ને પોતાનું બીજું ઘર પણ કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer