કાળઝાળ સુપ્રીમ કોર્ટે એજીઆર કેસમાં ટેલિકોમ કંપનીઓને ધધડાવી નાખી

કાળઝાળ સુપ્રીમ કોર્ટે એજીઆર  કેસમાં ટેલિકોમ કંપનીઓને ધધડાવી નાખી
‘આ દેશમાં કાયદા જેવું કંઈ છે કે નહીં?’
એક સરકારી અધિકારીએ સુપ્રીમનાં આદેશ સામે રોક લગાવી દીધી! સુપ્રીમ કોર્ટની કંઈ વેલ્યુ છે કે નહીં?: અદાલત
 
નવીદિલ્હી, તા.14: ટેલિકોમ કંપનીઓને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)નાં 1.47 લાખ કરોડ રૂપિયા ટેલિકોમ વિભાગ (ડીઓટી)ને ચૂકવી દેવાનાં પોતાનાં આદેશનું પાલન નહીં કરનારી ટેલિકોમ કંપનીઓ ઉપર આજે સુપ્રીમ કોર્ટ ક્રોધે ભરાઈ હતી અને તેમની સામે અદાલતનાં અનાદરની કાર્યવાહી શા માટે ન કરવી તેવો ખુલાસો આપવા ટેલિકોમ કંપનીઓનાં સંચાલકોને આદેશ આપ્યો હતો.
ટેલિકોમ કંપનીઓનો ઉધડો લેતા જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે અત્યંત કઠોર ટિપ્પણી કરી હતી. જેમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે, શું બકવાસ ચાલે છે...દેશમાં જાણે કોઈ કાયદો જ બચ્યો નથી. હું આ દેશમાં આવી રીતે કામ કરવાં માગતો નથી. હું જવાબદારી સાથે કહું છું. શું સુપ્રીમ કોર્ટની કોઈ વેલ્યુ નથી? આ બધું મનીપાવરનું પરિણામ છે. આ દેશમાં આ બધું શું ચાલી રહ્યું છે. આ કંપનીઓ નાણા નથી ચૂકવતી અને તમારો અધિકારી સુપ્રીમ કોર્ટનો આદેશ સ્ટે કરી નાખે છે.
અદાલતે આગળ કહ્યું હતું કે, અદાલતનાં આદેશ પછી પણ ચૂકવણું નહીં કરનારી કંપનીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તેવું જાહેરનામુ ડીઓટીએ આપ્યું કેવી રીતે? એક ડેસ્ક અધિકારીએ સુપ્રીમ કોર્ટનાં આદેશ સામે રોક લગાવી દીધી ! આ સાથે જ અદાલતે ટેલિકોમ કંપનીઓ સામે અનિવાર્ય કાર્યવાહી નહીં કરવાનો ડેસ્ક અધિકારીનો આદેશ પરત ખેંચવા માટે પણ કેન્દ્ર સરકારને સૂચના આપી હતી. આટલેથી નહીં અટકતા અદાલતે કહ્યું હતું કે, જો સંબંધિત અધિકારીનો આદેશ પાછો ખેંચવામાં નહીં આવે તો તેને જેલમાં ધકેલી દેવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે એજીઆરનાં મામલામાં ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને તાતા ટેલીસર્વિસ જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. કંપનીઓ તરફથી એજીઆર અંગે સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશમાં રાહત માગવામાં આવી હતી. જો કે અદાલતે ચુકાદાની સમીક્ષા કરવાની માગણી ફગાવી દીધી હતી. અત્રે એ પણ નોંધનીય છે કે વોડાફોન આઈડિયાએ ડીઓટીને પ0 હજાર કરોડ, ભારતી એરટેલે 3પપ00 કરોડ અને તાતાએ 14000 કરોડ રૂપિયા ડીઓટીને ચૂકવવાનાં છે. એકમાત્ર રિલાયન્સ જીયો દ્વારા પોતાનાં ચૂકવવાનાં થતાં 60 કરોડ ડીઓટીને ચૂકવી દેવાયા છે.
 
‘રાતના 12 પહેલાં કંપનીઓ પૈસા ચૂકવે’

સુપ્રીમની લપડાક પછી ટેલિકોમ કંપનીઓ સામે અનિવાર્ય પગલા ન લેવાનો તાત્કાલિક આદેશ પાછો ખેંચાયો
નવી દિલ્હી, તા. 14:  વૈધાનિક બાકી રકમની ચૂકવણીમાં અખાડા કરનાર (ડીફોલ્ટિંગ) કરનાર ટેલીકોમ કંપનીઓ સામે કોઈ અનિવાર્ય કાર્યવાહી નહીં કરવાનાં પોતાનાં ગત તા. 23મીનાં આદેશને ટેલીકોમ વિભાગે આજે સુપ્રીમ કોર્ટની ફટકાર પછી તત્કાળ અસરથી પાછો ખેંચી લીધો છે. આટલું જ નહીં પણ ટેલીકોમ કંપનીઓને બાકી રકમ ચૂકવવા માટે ગણતરીનાં કલાકનો સમય આપતાં આજે એટલે કે શુક્રવારની રાતે 12 વાગ્યા પહેલા ચૂકવણી કરી દેવાનું ફરમાન પણ છોડી દીધું હતું. જેને પગલે ટેલીકોમ કંપનીઓ હાંફળીફાંફળી થઈ ગઈ હતી.
વિભાગના આદેશમાં સર્વોચ્ચ અદાલતના ઓકટોબરના ચુકાદાનું પાલન કરાવવા તત્કાળ જરૂરી પગલા લેવા ફિલ્ડ  ઓફિસીસને દોરવણી ય આપી છે. રૂ. 1.47 લાખ કરોડની ગંજાવર રકમના થવા જતા આ કંપનીઓના ડ્યુઝની રીકવરીને સમર્થન આપતા ઓકટોબર ’19ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સમીક્ષા માગતી આ કંપનીઓની અરજીઓ અદાલતને જાન્યુઆરીમાં કાઢી નાખી હતી. અદાલતી આદેશનું પાલન ન કરનાર કંપનીઓ સામે ખફા થઈ અદાલતે ટકોર સાથે સવાલ કર્યો હતો કે ‘શું (રીકવરી માટે) કોઈ કાયદો બચ્યો નથી ? ’

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer