કેમ છો ટ્રમ્પની તૈયારીમાં 1 કરોડનો 3ડી કેમેરો લગાવાયો !

મેટેરા સ્ટેડિયમમાં 500થી વધુ સીસીટીવી: FBI સહિત અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.14 : અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનાં પ્રારંભ અવસરે યોજાનારા ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમને અનુલક્ષીને અમેરિકાની સુરક્ષા એજન્સીનાં અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે અમેરિકાની સુરક્ષા એજન્સીની સાથે ભારતીય સુરક્ષા એજન્સીનાં અધિકારીઓ પણ સતર્ક છે. મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં 500થી વધુ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 કરોડની કિંમતનો 3ડી ઇફેક્ટ કેમેરો પણ સુરક્ષાના ભાગરૂપે લગાડવામાં આવ્યો છે. આ કેમેરો 360 ડિગ્રીથી ફોટા કેપ્ચર કરી શકે છે.
અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અમેરિકામાં યોજાનારી ચૂંટણી પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે ત્યારે વ્હાઇટ હાઉસે પણ તેમનાં કાર્યક્રમને પુષ્ટિ આપી દીધી છે. ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ એરપોર્ટ પર આગમન કરનાર છે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર દરેક વિમાની સેવાનું સંચાલન રોકીને સમગ્ર એરપોર્ટને નો-ફ્લાય ઝોનમાં રાખવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે તમામ રસ્તા પર ફાયર બ્રિગેડ પણ ડ્રોન સહિતની તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ રહેશે. સમગ્ર વિસ્તારમાં સિક્યુરિટી પોઇન્ટ પણ ઉભા કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર-બહાર અને પાર્કિંગ સ્થળોએ પણ ફાયર બ્રિગેડ તૈનાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે જેનાં પગલે સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમમાં અલાયદો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ ખાસ તૈનાત કરેશે. હાલમાં ભારત સરકારના સુરક્ષા અધિકારીઓ અને અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ સાથે મળીને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે. 
અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો 12 કિ.મી.લાંબો રોડ શો યોજવાનો છે ત્યારે આ સમગ્ર રોડ પર શસત્ર જવાનોને તૈનાત કરવામાં આવનાર છે જ્યારે ટ્રમ્પની કાર ફરતે અમેરિકાનાં કમાન્ડો તૈનાત રહેશે. આ રોડ શોમાં 55 ગાડીઓનો કાફલો હશે, જેમાં 40 જેટલી ગાડીઓ તો ટ્રમ્પ અને મોદીના કાફલામાં કાયમ માટે જ તૈનાત રહેનારી છે જ્યારે અન્ય ગાડીઓમાં પોલીસ અધિકારીઓની ગાડીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરનાં સાબરમતી, મોટેરા અને ગાંધી આશ્રમ વિસ્તારમાં ચાલી રહેલા કામો હાલમાં અંતિમ તબક્કામાં છે. ગુજરાત સરકાર અને મ્યુનિ.કોર્પો.નાં અધિકારીઓ સતત તમામ સ્થળોનું નિરિક્ષણ કરી રહ્યા છે. સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસને સ્ટેન્ડ ટુનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને સમગ્ર શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ચેકપોસ્ટો ગોઠવી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન શહેરમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 
દરમિયાન મોટેરા સહિતના ટ્રમ્પના રોડ શોના રૂટ પર પ્રાણીઓની અવર જવર પર નિયંત્રણ રાખવા વિભાગની ટીમો દ્વારા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ચીમનભાઇ બ્રિજથી લઇને સ્ટેડિયમ, ઝુંડાલ સર્કલ, મોટેરા ખાતેના વિસ્તાર પર રોડની શોભમાં વધારો કરવા માટે 3.68 કરોડના ખર્ચે બોટલપામ સહિતના વૃક્ષો રોપવાનું ટેન્ડર પણ તાત્કાલીક મંજુર કરવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer