છાત્રાઓનાં વત્રો ઉતરાવવાની ઘટનામાં ભુજની મહિલા કોલેજનાં આચાર્ય સહિત ત્રણ સસ્પેન્ડ: મહિલા આયોગ સક્રિય

(ફૂલછાબ ન્યૂઝ)
ભુજ, તા. 14: અહીંના મીરજાપર રોડ પર આવેલી નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયુટ કોલેજમાં માસિક ધર્મની તપાસણી માટે છાત્રાઓનાં વત્રો ઉતરાવવાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. કોલજના આચાર્ય સહિત ત્રણને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તો મહિલા આયોગ, નારી અદાલતે પણ તપાસ શરૂ કરી છે. તેના પગલે વહીવટી અને પોલીસતંત્ર પણ મેદાનમાં આવી ગયું છે.
નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિક શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી છાત્રાલયની છાત્રાઓ માસિક ધર્મનું પાલન કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા માટે કોલેજમાં તેનાં વત્રો ઉતરાવવા સહિતનો કિસ્સો બન્યો હતો. કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. દર્શનાબહેન ધોળકિયાનાં વડપણ હેઠળ ત્રણ સભ્યની સમિતિ રચીને તપાસ માટે મોકલવામાં આવી હતી. આ તપાસ સમિતિએ કોલેજ અને છાત્રાલયની મુલાકાત લઈને છાત્રાઓની પૂછપરછ કરીને કપડાં ઉતરાવાયાં હોવાની વાત સત્ય હોવાનું શોધી કાઢયું હતું. આ ઘટના માટે કોલેજના આચાર્ય, વાર્ડન અને કેરટેકર જવાબદાર હોવાનો નિષ્કર્ષ કાઢયો હતો. આ સમિતિએ મૌખિક અહેવાલ કલેક્ટરને આપ્યો છે. તેનાં પગલે કોલેજના આચાર્ય, વોર્ડન અને  કેરટેકરને તાકીદની અસરથી ફરજમોકૂફ કરી દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ કિસ્સામાં ફોજદારી રાહે પણ પગલાં લેવામાં આવે તેવો માહોલ જામ્યો છે.
ત્રીઓનાં સ્વમાનને ઠેસ પહોંચાડતી આ ઘટનામાં મહિલા આચાર્ય દ્વારા માફી માગી લેવામાં આવી છે. તો ટ્રસ્ટીઓ દ્વારા પણ તેઓ કન્યાઓ સાથે હોવાનો મત વ્યક્ત કરાયો છે. આ માફામાફીના માહોલ વચ્ચે પ્રકરણના ઘેરા પડઘા પડયા છે. મહિલા આયોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આયોગની પાંચ સભ્યની ટીમ કચ્છ પહોંચશે. મહિલા આયોગે આ સમગ્ર પ્રકરણની તપાસ પોલીસને કરવા આદેશ કર્યો છે. તેનાં પગલે કચ્છના એસપીની આગેવાની હેઠળ તપાસ શરૂ થઈ છે. આ બાબતે નારી અદાલતે પણ તપાસ હાથ ધરી છે. મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાના જણાવ્યા પ્રમાણે કચ્છની ઘટના અંગે મેં ટીવીમાં જોયું અને ન્યુઝ પેપર્સમાં વાંચ્યું છે તેને અનુલક્ષીને તરત જ સુઓમોટો કરીને તપાસના આદેશ આપ્યા હતા. જો ખરેખર આવો બનાવ બન્યો હોય તો નિંદનીય કહેવાય. મહિલા આયોગની ટીમ તપાસ કરીને અહેવાલ રાજ્ય સરકારને આપશે અને યોગ્ય પગલાં લેવાં સૂચવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer