વેરાવળની ફીશ કંપનીમાંથી રૂ. ચાર લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી જનાર ચાર ઝડપાયાં

વેરાવળની ફીશ કંપનીમાંથી રૂ. ચાર લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી જનાર ચાર ઝડપાયાં
કંપનીના પૂર્વ કર્મચારીએ ચોરીનો પ્લાન ઘડયો’તો:  રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
વેરાવળ, તા. 14: અહી જીઆઇડીસીમાં આવેલ કેસ્ટલોક નામની ફીશ કંપનીમાં રૂ. ચાર લાખની રોકડ સાથેની તિજોરીની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. કંપનીના પૂર્વ કર્મચારી સહિત ચાર શખસને પોલીસે ઝડપી લઇને તમામ રોકડ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ચોરી અંગે સોમનાથ ટોકિઝ વિસ્તારમાં રહેતાં કંપનીના પૂર્વ કર્મચારી હાજી ઇબ્રાહીમ કેશરિયા, અસલમમિંયા અશરફમિંયા અલ્વી, આફતાબ સતારભાઇ ચૌહાણ, સજાદ સલીમભાઇ બેલીમની ધરપકડ કરી હતી.
જીઆઇડીસીમાં આવેલ કેસ્ટલોક કંપનીમાં છ દિવસ પહેલા તા. 8મીએ રાતના સમયે ઘુસેલા તસ્કરો કંપનીની બીજા માળે આવેલી ઓફિસમાંથી રૂ. ચાર લાખની રોકડ રકમ સાથેની 80 કિલો વજનની  તિજોરી ઉઠાવી ગયા હતાં.  આ ચોરી અંગે કંપનીના મહેતાજીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીનો ભેદ ઉકેલાયા અંગેની વિગતો આપતા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,  કેસ્ટલોક કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના ફુટેજ જોતા બનાવની રાતના બે બાઇક પર ચાર શખસ આવ્યાનું અને એક બાઇકમાં તિજોરી જેવું રાખ્યાનું નજરે પડયું હતું. તેના આધારે ટેકનીકલ સર્વેક્ષણના ડેટાની તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એલસીબીના અજીતસિંહ, નરેન્દ્ર પટાટને મળેલી ચોકકસ બાતમીના આધારે સોમનાથ ટોકિઝ વિસ્તારમાં રહેતાં હાજી ઇબ્રાહીમ    કેશરિયા, અસલમમિંયા અશરફમિંયા અલ્વી, આફતાબ સતારભાઇ ચૌહાણ અને સજાદ સલીમભાઇ બેલીમને ઝડપી લીધા હતાં. તેની પાસેથી ચોરી કરેલી તિજોરી, રૂ. 4.10 લાખની રોકડ રકમ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા બે બાઇક, ઇલેકટ્રીક કટર, હથોડી, છીણી, સળિયો, તણીપાનું, સ્પ્રે સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસોની પુછપરછમાં હાજી કેશરિયા અગાઉ આ કંપનીમાં નોકરી કરતો હતો. આથી તે કંપનીમાં કાયમ મોટી રકમ રહેતી હોવાનું જાણતો હતો.  તેણે તેના ત્રણ મિત્રોને વાત કરીને ચોરીનો પ્લાન  બનાવ્યો હતો.  તા. 8મીએ રાતના ચારેય બાઇક પર કંપનીની પાછળના ભાગે ગયા હતાં અને કવાર્ટર પાસેથી દિવાલ ઠેકીને અંદર ગયા હતાં. પ્રથમ પ્લાન મુજબ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક કલાકની મહેનતના અંતે પણ તિજોરી નહી તુટતા આખી તિજોરી ઉઠાવી ગયા હતાં બાદમાં અવાવરૂ  સ્થળે તિજોરી લઇ જઇને  ઇલેકટ્રીક કટરથી તિજોરી તોડી હતી અને તેમાંથી રોકડ રકમ  મેળવી લીધી હતી. આ રકમ વાપરે તે પહેલા ચારેય ઝડપાઇ ગયાનું ખુલ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer