ફાંસીની સજા માટે સુપ્રીમ કોર્ટે આપી ગાઈડલાઈન

ફાંસીની સજા માટે સુપ્રીમ કોર્ટે આપી ગાઈડલાઈન
નિર્ભયા કેસમાં વિલંબ પછી પ્રક્રિયાની મુદત બાંધી
સજા સામે અપીલ થાય તો છ માસમાં જ સુનાવણી હાથ ધરશે સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી,તા.14: નિર્ભયાકાંડનાં ગુનેગારોએ કાનૂની દાવપેચથી ફાંસીને વિલંબમાં નાખીને જાણે કાયદાની મજાક બનાવી નાખી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર જો કોઈ હાઈકોર્ટ ફાંસીની સજાને અનુમોદન આપે પછી સુપ્રીમ કોર્ટ તેનાં ઉપર અપીલ સાંભળવા સહમત થાય તો છ માસની અંદર કેસ ત્રણ જજની ખંડપીઠ સમક્ષ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં મામલો સૂચિબદ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રી દ્વારા સજા સંભળાવનાર અદાલતને તેની સૂચના આપશે. તેનાં 60 દિવસની અંદર સંબંધિત તમામ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટને મોકલી દેવામાં આવશે અથવા તો કોર્ટ જે સમયમર્યાદા નક્કી કરે તેનું પાલન કરવાનું રહેશે. રજીસ્ટ્રી દ્વારા સંલગ્ન પક્ષકારોને અધિક 30 દિવસનો સમય પણ દસ્તાવેજો પૂરા પાડવા માટે આપી શકશે. જો નિશ્ચિત સમયમાં પ્રક્રિયા પૂરી ન થાય તો એ મામલાને રજીસ્ટ્રાર પાસે નહીં પણ ન્યાયધિશની ચેમ્બરમાં નોંધાશે અને ચેમ્બરમાં જ જજ તેનાં ઉપર વિચારણા કરશે.
વિનય શર્મા માનસિક સ્વસ્થ: સુપ્રીમ
            દયાઅરજીના નકાર સામેની શર્માની  અરજી સુપ્રીમે ફગાવી
નવી દિલ્હી, તા.14: નિર્ભયા કેસનાં એક દોષિત વિનય શર્માએ તેની ફાંસીસજા અંગે રાષ્ટ્રપતિ સમક્ષ કરેલી દયાની અરજી નકારી દેવાયાને પડકારતી સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી અદાલતે આજે ફગાવી દીધી હતી. રાષ્ટ્રપતિએ તેના કેસનાં તમામ દસ્તાવેજ જોયા નથી અને અને બદઈરાદાથી આમ કર્યાનો આક્ષેપ શર્માએ કર્યો હતો. દયાઅરજી નકાર્યાની અદાલતી સમિક્ષા માટે કોઈ આધાર નથી એમ અદાલતી બેન્ચે જણાવ્યું હતું.
પોતે માનસિક રીતે બીમાર હોવાની શર્માની દલિલ ફગાવતાં બેન્ચે જણાવ્યું હતું કે શર્માનો તાજો મેડિકલ રિપોર્ટ જણાવે છે કે તેની માત્ર શારીરિક હાલત જ નહીં માનસિક હાલત પર સારી જ છે.
દરમિયાન કેસનાં ચાર દોષિતોને ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જારી કરવા માગણી કરતી અરજીની સુનાવણી દિલ્હીની પતિયાલા કોર્ટે 17મી સુધી સ્થગિત કરી છે.
સુનાવણી દરમિયાન જજ ભાનુમતી બેહોશ થયા
નવી દિલ્હી તા. 14: નિર્ભયા કેસની ચાલી રહેલી સુનાવણી દરમિયાન, કેસના દોષિતોને અલગ અલગપણે ફાંસી અપાય તેવી માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી પરનો પોતાનો આદેશ ડિકટેટ કરાવતી વેળા સર્વોચ્ચ અદાલતની બેન્ચના ન્યાયમૂર્તિ આર. ભાનુમતી કોર્ટ રૂમમાં બેહોશ થઈ પડી ગયા હતા. અન્ય જજીસ અને સ્ટાફ તેમને  ચેમ્બરમાં લઈ ગયા હતા. જો કે થોડી જ મિનિટો બાદ તેઓ ફરી હોશમાં આવી ગયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer