કિવિઝ સામેના અભ્યાસ મેચમાં વિહારીની સદી: પુજારાના 93

કિવિઝ સામેના અભ્યાસ મેચમાં વિહારીની સદી: પુજારાના 93
પ્રારંભના ધબડકા બાદ ભારતના 263:
6 ખેલાડી બે આંકડે પણ પહોંચ્યા નહીં
હેમિલ્ટન, તા.14: હનુમા વિહારીની સદી 101 અને અનુભવી ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પુજારાના 93 રનની મદદથી ન્યૂઝિલેન્ડ ઇલેવન વિરુદ્ધના અભ્યાસ મેચના પ્રારંભે ભારતીય ટીમ 263 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ ટેસ્ટ અગાઉના આ એકમાત્ર અભ્યાસ મેચમાં ભારતના ત્રણેય ઓપનર પૃથ્વી શો (0), મયંક અગ્રવાલ (1) અને શુભમન ગિલ (0) નિષ્ફળ રહ્યા હતા. ટેસ્ટ ઉપસુકાની રહાણે (18) પણ સસ્તામાં આઉટ થયો હતો. આથી એક તબક્કે ભારતની પ રનમાં 3 અને 38 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. સુકાની વિરાટ કોહલીએ અભ્યાસ મેચમાં ભાગ લીધો ન હતો. તેણે મેદાન બહાર નેટ પ્રેક્ટિસ કરવાનું પસંદ કર્યું હતું.
પ્રારંભિક ધબડકા બાદ પુજારા અને હનુમા વિહારીએ બાજી સંભાળીને કિવિ બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. અનુભવી પુજારાના સાથમાં વિહારીએ પાંચમી વિકેટમાં 199 રનની સોલિડ પાર્ટનશશિપ કરીને ટીમને ધબડકામાંથી ઉગારી લીધી હતી. ચેતેશ્વર પુજારા સાત રને સદી ચૂકી ગયો હતો. તેણે 211 દડામાં 11 ચોક્કા અને 1 છક્કાથી શાનદાર 93 રન કર્યા હતા. જ્યારે હનુમા વિહાર સદી બાદ રીટાયર્ડ હર્ટ થયો હતો. તેણે 182 દડાની ઇનિંગમાં 10 ચોક્કા-3 છક્કા લગાવ્યા હતા. તેની વિકેટ 24પ રને પડી હતી. આ પછી ફરી ભારતનો ધબડકો થયો હતો અને વધુ 18 રનના ઉમેરામાં ટીમ ઓલઆઉટ થઇ હતી. બન્ને વિકેટકીપર ઋષભ પંત (7) અને રિદ્ધિમાન સાહા (0) પણ નિષ્ફળ રહ્યા હતા. અશ્વિને પણ મીંડુ મુકાવ્યું હતું.
ન્યૂઝિલેન્ડ તરફથી ઝડપી બોલર સ્કોટ કગીલેન અને સ્પિનર ઇશ સોઢીએ 3-3 વિકેટ લીધી હતી. ગિબ્સનને 2 વિકેટ મળી હતી.
ઓપનિંગના ત્રણેય દાવેદાર પૃથ્વી, મયંક અને શુભમન ફ્લોપ
ટીમ ઇન્ડિયા 21મીએ શુક્રવારે ન્યૂઝિલેન્ડ સામે બે ટેસ્ટની સિરિઝનો આરંભ કરશે. આ પહેલાના એકમાત્ર અભ્યાસ મેચમાં ટીમના ત્રણેય ઓપનરની નિષ્ફળતા ચિંતાનું મોટું કારણ બની છે. યુવા પૃથ્વી અને શુભમન તો ખાતું પણ ખોલાવી શકયા નહીં. જ્યારે મયંક 13 દડામાં 1 રન કરી શકયો. આ ત્રણેય બેટ્સમેનને કિવિ ફાસ્ટ બોલર સ્કોટ કાગીલેને શિકાર બનાવ્યા હતા. પૃથ્વી પહેલી ઓવરમાં જ પાછો ફર્યો હતો. આ પછી મયંક પણ તુરત આઉટ થયો હતો. મયંક બાદ ઓપનિંગના દાવેદાર શુભમન ચાર નંબર પર ક્રિઝ પર આવ્યો અને પહેલા જ દડે આઉટ થયો હતો. જ્યારે હનુમા વિહારીને સદી કરી છે. તે ઓપનિંગનો મજબૂત વિકલ્પ બન્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer