જેતપુરમાં યુવાન પર ખૂની હુમલો

અપહરણની ફરિયાદ પાછી નહી ખેંચતા ત્રણ શખસે હુમલો કર્યો: ગોળીબાર થયાની શંકા
જેતપુર, તા. 12: અહીના અમરનગર રોડ પર અપ્પુ કન્ટ્રકશન નામની ઓફિસ ધરાવતાં ચંદુભાઇ મકવાણા નામના કોળી યુવાન પર ઘેટાવાળા પ્લોટના સ્મશાન પાસે ખૂની હુમલો થયો હતો. ત્રણ વર્ષ પહેલા અપહરણ અને હુમલાની કરેલી ફરિયાદ પાછી નહી ખેંચતા ત્રણ શખસે હુમલો કર્યો હતો.
આ કોન્ટ્રાકટર યુવાન ચંદુભાઇ મકવાણાએ  ત્રણ વર્ષ પહેલા તેનું અપહરણ કરીને માર મારવાની શહેરના કેટલાક ફાયનાન્સર સામે ફરિયાદ કરી હતી.  આ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે જેતપુરના અમરનગર રોડ પર ફાયનાન્સની ઓફિસ ધરાવતો જૂનાગઢનો મહાવીર બસિયા, કુલદીપ લાલુ અવારનવાર ધમકી આપતા હતાં. પણ તેણે ફરિયાદ પાછી ખેંચી ન હતી. દરમિયાન આજે સવારે તે નિત્યક્રમ પ્રમાણે ઘેટાવાળા પ્લોટ પાસેના સ્મશાન ખાતે આવેલ મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે કાળા રંગની 54 નંબરની સ્કોર્પિયો ગાડીમાં કુલદીપ લાલુ, મહાવીર બસિયા અને રબારીકાનો રણજીત નામના શખસ આવ્યા હતાં અને તે કાંઇ સમજે તે પહેલા તેના પર ધોકાથી તુટી પડયા હતાં.બન્ને પગમાં ગોઠણથી નીચેના ભાગે બેફામ ધોકા માર્યા હતાં. બાદમાં તલવાર અને ગુપ્તીના ઘા માર્યા હતાં. એ પછી હવામાં ફાયરીંગ કરીને ત્રણેય નાસી ગયા હતાં.આ યુવાનને સ્મશાન પાસે રહેતા લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવની જાણ થતાં એએસપી સાગર બાગમારે હોસ્પિટલ અને બનાવના સ્થળે પહોંચી ગયા હતાં અને ઇજાગ્રસ્તની પુછપરછ કરીને જાત માહિતી મેળવી હતી.  ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસમને હુમલામાં વપરાયેલ ધોકા કબજે કર્યા હતાં.
આ મામલે સીટી પીઆઇ વી.કે.પટેલના જણાવ્યા પ્રમાણે બનાવમાં કોઇ ફાયરીંગ થયું નથી. ધોકા,પાઇપ વડે હુમલો થયો છે. ઇજાગ્રસ્ત યુવાન ચંદુભાઇને જૂનાગઢ રીફર કરેલ હોય ત્યાંથી ફરિયાદ લઇને  તપાસ કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer