ગોંડલના નાગડકા ગામના યુવાન પર ખૂની હુમલો : હાથ-પગ ભાંગી નાખ્યા

કારમાં આવેલા કરણીસેનાના પ્રમુખ સહિત ચાર શખસ વિરૂધ્ધ નોંધાતો ગુનો
ગોંડલ, તા.1ર : ગોંડલ તાબેના નાગડકા ગામે રહેતા રાજેશ ઉર્ફે રાજુ લાલજી સખીયા નામનો પટેલ યુવાન સાજે વિક્રમસિંહજી કોમ્પલેકસ પાસે આવેલી ચાની હોટલે ઉભો હતો ત્યારે સ્કોર્પીયો કારમાં આવેલા જયપાલભાઈ વડિયાવાળા, કરણીસેનાનો પ્રમુખ યશપાલસિંહ તથા બે અજાણ્યા શખસોએ ધોકાથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી નાસી છૂટયા હતા અને ઘવાયેલા રાજેશ ઉર્ફે રાજુ સખીયાને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગેની જાણ થતા પીઆઈ. રામાનુજ તથા સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં ચાની હોટલે રાજે શ ઉર્ફે રાજુ સખીયા તથા શિવરાજગઢના માજી સરપંચ વલ્લભભાઈ સરસરીયા, મેતા ખંભાળિયાના નરસી રાઠોડ સહિતના મિત્રો ચા પીવા ઉભા હતા ત્યારે બ્લેક કલરની સ્કોર્પીયો કારમાં આવેલા જયપાલ, યશપાલસિંહ અને બે અજાણ્યા શખસોએ  તું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા સામે આરટીઆઈ કેમ કરે છે તેમ કહી હુમલો કરી નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે રાજેશ ઉર્ફે રાજુ સખીયાની ફરિયાદ પરથી ચારેય હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત રાજેશ સખીયાએ જયરાજસિંહ અને અનિરૂધ્ધસિંહ સામે આરટીઆઈ કરી હોય અને રાજકોટના વકીલ સંજય પંડિતને મદદ કરતો હોય તેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સોશિયલમીડિયામાં રાજેશ સખીયાના ઓડિયો-વીડિયો વાયરલ થવા પામ્યા હતા અને જેમાં બન્ને અગ્રણીઓ માટે ટીપ્પણી કરાઈ હોય આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer