રાજકોટ-મોરબી પંથકને ધમરોળતી લુટારુ ત્રિપુટી ઝડપાઇ : 16 ગુના ઉકેલાયા

રીઢો તસ્કર પુત્ર-સાળાના પુત્ર સાથે મળી લૂંટ ચલાવતો’તો
બે રિક્ષા, ગ્રાઈન્ડર મશીન, ગણેશીયો, તણી, કટર સહિતનો મુદ્દામાલ કબજે
રતનપરમાં મંદિરમાં દંપતી-કાગદડીમાં પ્રૌઢની હત્યાનો પ્રયાસ કર્યે’તો
રાજકોટ, તા.1ર : રાજકોટ-મોરબી પંથકમાં મોડી રાત્રીના જુદા-જુદા હાઈવે પર આવેલી હોટલો-શોરુમ, મકાન-વાડી, શાળા-કોલેજો, મંદિરો સહિતના સ્થળે રૂમાલ-ચાદર ઓઢી હુમલો કરી લુંટ ચલાવી આતંક મચાવનાર રીઢા તસ્કર-પુત્ર સહિતની લૂંટારુ ત્રિપુટીને ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ 16 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા. પોલીસે બે રિક્ષા તથા સાધનસામગ્રી કબજે કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે નવાગામ સાત હનુમાન  મંદિર પાસેના ટ્રાન્સપોર્ટનગર પાછળ ઝૂંપડામાં રહેતો અને અગાઉ દસેક ચોરીના ગુનામાં સંડોવાયેલ દેવીપૂજક ભીખા નાનજી જાખણીયા તથા તેનો પુત્ર અજીત ભીખા જાખણીયા અને ભીખાના સાળાનો પુત્ર ગોપાલ જેશા સાડમીયા નામની ત્રિપુટી રતનપર-કાગદડી  સહિતના વિસ્તારોમાં ખૂની હુમલો કરી લુંટ કરવાના ગુનામાં સંડોવાયેલ હોવાની બાતમીના આધારે ક્રાઈમબ્રાંચના  સ્ટાફે ઝડપી લીધા હતા અને બે રિક્ષા તથા ગણેશીયો, લોખંડની તણી, ત્રણ મોબાઈલ, કટર સહિત રૂ.1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની આકરી પૂછતાછ અને તપાસમા લૂંટારુ ત્રિપુટીએ કાગદડીની સીમમાં પી.પી. ફૂલવાળાની વાડીમાં લુંટના ઈરાદે ઘૂસ્યા બાદ ચોકીદાર ધનાભાઈ પઢીયારની હત્યાનો પ્રયાસ કર્યો હતો તેમજ રતનપરમાં પંચદેવી મંદિરના પૂજારી દંપતી પર ખૂની હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિતની મત્તાની લુંટ ચલાવી હતી તેમજ ટંકારામાં જીન મીલમાંથી રોકડની ચોરી, મિતાણા પાસે મંદિરમાંથી, પાંચ માસ પહેલા કુવાડવા રોડ પર કારના શો રૂમમાંથી રોકડની ચોરી, ઈશ્વરીયામાં ઈનોવેટીવ સ્કૂલમાં ચોરી, ગોંડલ રોડ પર બાઈકના શો રૂમમાં ચોરીનો પ્રયાસ, ગોંડલ રોડ પર બાઈકના શો રૂમમાં રોકડની ચોરી, પરાપીપળિયામાં ગૌશાળા પાસેની આહિર કન્યા છાત્રાલયમાં ચોરીનો પ્રયાસ, છતર પાસે કારખાનામાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે 16 ગુનાના ભેદ ઉકેલ્યા હતા. કામગીરી કરનાર ક્રાઈમબ્રાંચના સ્ટાફને રૂ.1પ હજારના ઈનામની પોલીસ કમીશનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. લુંટના ગુનામાં પકડાયેલ અજીત જાખણીયા નામના તસ્કરના હાલમાં લગ્ન કરવાના હતા પરંતુ પોલીસે શોધખોળ શરૂ કરતા લગ્ન કરનાર યુવતીના પરિવારજનોને જાણ થતા લગ્ન ફોક કરી નાખ્યા હતા. પોલીસે લૂંટારુ ત્રિપુટીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer