લાયન વેલેન્ટાઈન: ગેઈલ-ગોમુની જોડી, કોઈ ન શકે તોડી

લાયન વેલેન્ટાઈન: ગેઈલ-ગોમુની જોડી, કોઈ ન શકે તોડી
પોતાના વિસ્તારમાં બીજી સિંહણ આવી ચડે તો પણ ગેઈલ ભગાડી મુકે છે
સિંહ મારણ કરે અને ભોજન માટે ખાસ અવાજથી સિંહણને પોકારે !!
 દશરથસિંહ રાઠોડ
ખાંભા, તા.13 :  આવતીકાલે વેલેન્ટાઈન ડે, આ દિવસે ગિફ્ટ, રોઝ, ચોકલેટ એવું બધું જ યાદ આવે. પણ હૃદયમાં સાચો પ્રેમ હોવો એ જ સાચો વેલેન્ટાઈન ડે. પ્રેમની કોઈ પરિભાષા નથી અને એ માણસ પૂરતો સિમિત નથી. પ્રેમ એ સમગ્ર જીવ સૃષ્ટિમાં છે. એના ઘણા કિસ્સા સાંભળવા મળે છે, એમાનો એક કિસ્સો ખાંભા પંથકમાં જોવા મળ્યો છે. આ વાત ગેઈલ નામના સિંહ અને ગોમુ નામની સિંહણની છે.
વાત જાણે એમ છે કે, ખાંભા ગીર જંગલના પીપળવા વિડી , ગિદરડી અને ખડાધારના તેમજ આસપાસના વિસ્તારમાં ગેઈલ અને ગોમુ નામના સિંહ - સિંહણનું વર્ચસ્વ છે અને આ સિંહ - સિંહણની જોડી સાથે જ જોવા મળે.  આ બન્ને અન્ય સિંહો ને પોતાના વિસ્તારમાં આવવા નથી દેતા. બે વર્ષ પહેલાં પીપળવા વિડીમાં આ ગેઈલ અને ગોમુએ એક નિલગાયનું મારણ કર્યું હતું અને ત્યારે અન્ય એક સિંહણ અને ત્રણ સિંહબાળ આવી ચડયા હતા એ સમયે ગેઈલે ત્રણેય સિંહબાળ મારી નાખ્યા હતા અને સિંહણને ભગાડી દીધી હતી.
ખાંભા તુલસીશ્યામ રેન્જમાં પીપળવા વિડીમાં ગેઈલ અને ગોમુ સિંહ - સિંહણ આજે પણ એક બીજા વગર રહેતા નથી અને ગેઈલ કે ગોમુ એ કોઈ શિકાર કર્યો હોય તો સાથે મારણ ખાતા હોવાનું અહીંના સિંહપ્રેમી જણાવી રહ્યા છે. સિંહપ્રેમી રમેશભાઈ હરિયાની ના જણાવ્યાં અનુસાર, અહી સિંહો ની પ્રેમ કહાનીના અદ્ભુત કિસ્સા અનેક છે પણ પીપળવા વિડી , ગીદરડી , ખડાધાર વિસ્તારમાં ગેઈલ-ગોમુની જોડી અજોડ છે.  જયારે વાડી વિસ્તારોમાં ખેડૂતો, માલધારીઓને ચોક્કસ પ્રકારની ત્રાડ-ગર્જના સંભળાય તો સમજી લેવાનું કે ગેઈલે મારણ કર્યું છે અને તે ગોમુને ખાવા બોલાવી રહ્યો છે. સિંહ મારણ કરીને સિંહણને ખાવા બોલાવે એવું જવલ્લે જ બને. ગેઈલ અને ગોમુની જોડી અહીંના ખેતરો તેમજ સીમમાં રોડ રસ્તા પર આ હમેશા બંને સાથે જ જોવા મળે છે. પીપળવા તેમજ ગિદરડી જંગલ આસપાસના માલધારીઓએ સિંહણનું નામ ગોમુ પડયું હતું જ્યારે વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા સિંહનું નામ ગેઈલ પાડેલું હતું. લોકો જ્યારે પણ બન્નેને સાથે જોવે છે ત્યારે ગેઈલ-ગોમુ એવું સજોડું નામ સંબોધન કરીને જ બોલાવે. સાવજ જગતમાં એવું બનતું હોય છે કે, પોતાના વિસ્તારમાં આવેલી નવી સિંહણને જોઈને સિંહો ઈનફાઈટ કરી બેસે છે તો સિંહણ પણ પોતાના ‘વર’ સમાન સિંહને છોડીને બીજા સાવજને અપનાવી લે છે. પણ ગેઈલ અને ગોમુ આવું નથી કરતા. બન્ને એકબીજા વગર રહી નથી શકતા. આ બન્ને ગીરમાં વેલેન્ટાઈન મનાવે જ છે. કારણ એ દિલથી જોડાયેલા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer