રાજ્યમાં બિન અનામત વર્ગના આંદોલનની મડાગાંઠ યથાવત

રાજ્યમાં બિન અનામત વર્ગના આંદોલનની મડાગાંઠ યથાવત
સરકાર સાથે બે કલાકથી વધુની ચર્ચા બાદ બેઠક રહી અનિર્ણિત: આજે મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યપ્રધાન-ગૃહ રાજ્યપ્રધાન કરશે ચર્ચા-વિચારણા
અમદાવાદ, તા.13: રાજ્ય સરકારનો 1-8-18નો પરિપત્ર હવે અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વિવાદ બની ચૂક્યો છે. એક વર્ગ આ પરિપત્રમાં બદલાવ લાવવા માંગણી કરી રહ્યો છે, તો બીજો વર્ગ પરિપત્રની તરફેણમાં છે ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બિન અનામત વર્ગના આંદોલનનું કોકડું ઉકેલવાના પ્રયાસ રૂપે આંદોલનકારીઓના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બે કલાકથી વધુ સમય ચર્ચા-વિચારણા અને પરામર્શ કર્યો હતો. પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી.
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના કહેવા મુજબ આવતીકાલે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને બેઠકમાં ચર્ચાયેલા તમામ મુદ્દાથી વાકેફ કરવામાં આવશે અને તેમની સાથેની ચર્ચા બાદ યોગ્ય નિર્ણય મુખ્યપ્રધાન લેશે. જો જરૂર પડશે તો બિન અનામત વર્ગના પ્રતિનિધિ મંડળને ફરી ચર્ચા માટે બોલાવવામાં આવશે. તો બીજી તરફ બિન અનામત વર્ગના પ્રતિનિધિમંડળના આગેવાન દિનેશ બાંભણિયા અને રીતુ પટેલે આજની બેઠકમાં કોઇ નિર્ણય નહીં લેવાતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આવતીકાલે મુખ્યપ્રધાન સાથે મેળાપની વાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન સાથે મુલાકાત બાદ નિર્ણય થશે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત ચાલુ જ રહેશે.
મહત્વનું છે કે, એલઆરડી પરીક્ષામાં સંદર્ભે બિન અનામત વર્ગ અને અનામત વર્ગ વચ્ચે મોટો મતભેદ સર્જાઇ ગયો છે. રાજ્યસરકારે 1-8-18ના પરિપત્રમાં ફેરફારની જાહેરાત કરી છે અને અનામત વર્ગની મહિલાઓને પણ બિન અનામત વર્ગની બેઠક પર લાભ મળશે. 1-8-18ના વિવાદિત પરિપત્રમાં થનારા ફેરફાર સામે ગુજરાતના ખૂણેખૂણેથી બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં વિરોધ પર ઉતરી આવી છે. ગાંધીનગરમાં વિશાળ રેલી પહેલા જ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા અને કરણી સેના પ્રમુખ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી હતી. જો કે બાદમાં પોલીસે બંનેને મુક્ત કરતા પોતાની માંગ સાથે ધરણા પર બેસેલી મહિલાઓ પણ રોડ પરથી ઉઠી હતી. તમામ લોકોએ બલરામ મંદિર પરિસર ખાતે રાતવાસો કર્યો હતો. આમ બંને વર્ગ તરફથી ગાંધીનગર ખાતે મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.
આ તબક્કે બેઠક પૂર્ણ કરી બહાર આવેલા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, આજની બેઠકમાં કોઇ નિર્ણય લેવાયો નથી. આવતીકાલે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી ચર્ચા કરવામાં આવશે પછી નિર્ણય થશે. ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ છે. અમે જરૂર પડે ફરી ચર્ચા માટે મિટીંગ કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે એમ પણ કહ્યું કે, અમારી માંગણી એટલી જ છે કે, 1-8-18નો પરિપત્ર યથાવત રાખવામાં આવે અને જો તેમાં ફેરફાર કરવાની વાત છે તો તેના કારણો અમને જણાવો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer