સીએએનો વિરોધ કરનારા દેશવિરોધી છે: વિજય રૂપાણી

સીએએનો વિરોધ કરનારા દેશવિરોધી છે: વિજય રૂપાણી
રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગા યાત્રામાં સાધુ-સંતો, આગેવાનો સહિત હજ્જારો લોકો જોડાયા
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.13: રાજકોટમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં 13 ફેબ્રુઆરીના રોજ સવારે 2 કિલોમીટર લાંબી તિરંગાયાત્રામાં હજ્જારો લોકો જોડાયા હતા. બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફનવર્લ્ડ પાસે યોજાયેલ સમારોહમાં સાધુ-સંતોના આશિર્વાદ લઈને જણાવ્યું હતું કે, સીએએનો કાયદો લોકોને નાગરિકતા સાથે છે. વિરોધ કરનારા લોકો દેશ વિરોધી છે અને બાદમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાના રૂટમાં 40 જેટલા સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતી અલગ અલગ કૃતિ રજૂ કરી હતી.
રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા રેસકોર્ષ નજીક બહુમાળી ભવન પાસેથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રા તેના રૂટ પર ફરી રહી હતી. ત્યારે રાજકોટના રાજમાર્ગો “ભારત માતા કી જય’’ના નારાથી ગુંજી ઉઠયા હતા. આ તિરંગા યાત્રાના સમર્થન માટે અલગ-અલગ ચોક કે બજારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત 40 જેટલા સ્થળો પર સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતી અલગ-અલગ કૃતિ રજૂ કરાઈ હતી અને આ યાત્રાનું જયુબેલી બાગ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સમાપન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં સાધુ-સંતો, મહંતો, કેબીનેટ મંત્રી, ધારાસભ્યો, સાંસદો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા અને આ બે કિ.મી. લાંબી યાત્રામાં 11 હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેની સાથે શહેરની વિવિધ જ્ઞાતિના સમાજના હોદ્દેદારો, વકિલ મંડળ, ઉદ્યોગપતિઓ તેમજ શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer