નિકાસમાં ફાયદો થાય તેવી યાદીમાંથી ભારતનું નામ કમી કરી નાખતું ટ્રમ્પ પ્રશાસન

નિકાસમાં ફાયદો થાય તેવી યાદીમાંથી ભારતનું નામ  કમી કરી નાખતું ટ્રમ્પ પ્રશાસન
નવીદિલ્હી, તા.13: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ભારતની યાત્રાએ આવે તે પૂર્વે વ્યાપાર સંધિ માટે સકારાત્મક સંકેતો આપી રહ્યા છે પરંતુ બીજી કડવી વાસ્તવિકતા એ પણ છે કે અમેરિકી પ્રશાસને ભારતને એક મોટો ઝટકો પણ માર્યો છે. જેનાથી ભારતની નિકાસ ઉપર ગંભીર અસર પડી શકે છે. અમેરિકાએ કારોબાર માટેની જનરલાઇઝ્ડ પ્રેફરન્સ સિસ્ટમમાંથી ભારતને બાકાત કરી નાખ્યું છે. આ સૂચિમાં અમેરિકા વિકાસશીલ અને અવિકસિત દેશોને સામેલ રાખે છે. તેમાંથી હવે ભારતનું નામ કમી કરી નાખવામાં આવતાં ભારત અને અમેરિકા વચ્ચેનાં કારોબારમાં તેની વિપરિત અસરો પણ જોવા મળી શકે છે.
આ યાદીમાંથી ભારત બહાર થઈ જવાનો મતલબ એવો થાય કે ભારતને અમેરિકાના ઉદ્યોગોને માર પડે તેવી કોઈ સબસિડીવાળી નિકાસ માટેની ચકાસણીમાંથી પસાર થવું પડશે. જેને કાઉન્ટરવલિંગ ડયુટીની તપાસમાં રાહત તરીકે ઓળખવામાં આવે છે. આ યાદીમાંથી ભારત ઉપરાંત બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા અને આર્જેન્ટિનાને પણ બહાર કરી દેવામાં આવ્યા છે.
ટ્રમ્પ પ્રશાસનના કહેવા અનુસાર 1998માં બનેલી આ યાદી હવે અપ્રસ્તુત બની ચૂકી હતી. આ યાદીમાં ફરીથી સામેલ થવાની ભારતની આશા ઉપર હવે પાણી ફરી વળેલું દેખાય છે. અમેરિકામાં નિકાસ કરવા અનેક ફાયદા આપતી આ યાદીમાં અમેરિકા ફક્ત વિકાસશીલ દેશોને જ સામેલ કરે છે. અમેરિકાએ તેમાંથી ભારતનું નામ હટાવી દેવા માટે ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી હટાવી દીધું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer