‘ગોલી મારો...’ જેવા ભડકાઉ નિવેદનોનાં કારણે હાર્યા : શાહ

‘ગોલી મારો...’ જેવા ભડકાઉ નિવેદનોનાં કારણે હાર્યા : શાહ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આકલન ખોટું પડયાનો સ્વીકાર કરતા ગૃહમંત્રી
નવીદિલ્હી,તા. 13 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ ગૃહમંત્રી અમિત શાહે કબૂલ્યું હતું કે ‘ગોળી મારો’ અને ‘ભારત-પાકિસ્તાન મેચ’ જેવા નિવેદનોથી ભાજપના નેતાઓએ દૂર રહેવાની જરૂર હતી. અમિત શાહે કહ્યું હતું કે, પક્ષ આ પ્રકારનાં નિવેદનોથી પોતાને અલગ રાખે છે. શક્ય છે કે પક્ષના નેતાઓ દ્વારા અપાયેલાં નફરતભર્યા નિવેદનોને કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન થયું હોય.
અમિત શાહે આગળ કહ્યું હતું કે અમે માત્ર હાર કે જીત માટે ચૂંટણી નથી લડતા. ઘણા બધા પક્ષો માટે ચૂંટણી સરકાર બનાવવા માટે કે તોડી પાડવા માટે હોય છે, પરંતુ ભાજપ એક વિચારધારા ઉપર આધારિત પક્ષ છે. આથી ચૂંટણી વિચારધારાને ફેલાવવા માટે પણ હોય છે. દિલ્હીના ચૂંટણીને લઇને મારું મૂલ્યાંકન ખોટુ સાબિત થયું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે  ‘ગોલી મારો’ વાળું નિવેદન આપ્યું હતું, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાએ ‘ભારત-પાકિસ્તાન મેચ’વાળું નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો હતો. અનુરાગ ઠાકુરે રિઠાલાના ભાજપ ઉમેદવાર મનીષ ચૌધરીનાં સમર્થનમાં જનસભામાં ‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’નું ભડકાઉ નિવેદન આપ્યા બાદ ચૂંટણી પંચે અનુરાગ ઠાકુરને નોટીસ મોકલીને તેમની પાસેથી જવાબ મગ્યો હતો. જ્યારે મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર રહેલા કપિલ મિશ્રાએ લખ્યું હતું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તાઓ પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનની મેચ થશે. કપિલ મિશ્રાના આ વિવાદાસ્પદ નિવેદન ઉપર તેમના પર પણ ચૂંટણી પંચે લાલઆંખ કરી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠકોમાંથી 62 બેઠકો જીતીને આપે ઇતિહાસ સજર્યો હતો. જ્યારે ભાજપને માત્ર 8 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer