દાગીઓ સામે સુપ્રીમનું સ્વચ્છતા અભિયાન

દાગીઓ સામે સુપ્રીમનું સ્વચ્છતા અભિયાન
ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની માહિતી પક્ષો જાહેર ન કરે તો અદાલતના અનાદરની કાર્યવાહી
રાજનીતિને અપરાધી ચુંગાલથી મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
ઉમેદવારની જીતવાની ક્ષમતાની દલીલ ચલાવી લેવાશે નહીં
નવીદિલ્હી, તા.13: દેશનાં રાજકારણને અપરાધીકરણની નાગચૂડમાંથી મુક્તિ અપાવવા માટે દંડો ઉગામતા આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ  આપ્યો હતો. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનાં મેદાનમાં ઉતારવામાં આવતાં ઉમેદવારોનાં ગુનાઈત ભૂતકાળની જાણકારી પોતપોતાની વેબસાઈટો ઉપર સાર્વજનિક કરવી પડશે અને જે કોઈ આ આદેશનું પાલન નહીં કરે તેની સામે અદાલતનાં અનાદરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી હતી.
સપ્ટેમ્બર 2018માં રાજકારણનાં અપરાધીકરણનાં મામલામાં અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું રાજકીય પક્ષો દ્વારા પાલન ન થતાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અદાલતની અવહેલનાની અરજીની સુનાવણીમાં આજે આ આદેશ આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારને બદલે ગુનેગાર ઉમેદવારને શા માટે પસંદ કરવામાં આવ્યા તેનું કારણ પણ પક્ષોએ આપવું પડશે. માત્ર ઉમેદવારની ચૂંટણી જીતી  શકવાની ક્ષમતાનો તર્ક પણ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ઉમેદવારોના અપરાધોની વિગતો વેબસાઈટ પર અપલોડ કરવાના આદેશ સાથે જણાવ્યું હતું કે, આદેશનું પાલન નહીં કરાય તો અદાલતની અવહેલનાની કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરેલી અરજી પર સુનાવણી કરતાં અદાલતે રાજકીય પક્ષોને તાકીદ કરી છે કે, પોતાના ઉમેદવારોના અપરાધોના કેસોની માહિતી અખબારો, વેબસાઈટો અને સોશિયલ સાઈટો પર પ્રકાશિત કરવાની રહેશે.
સાથોસાથ પક્ષોની એવી તે કઈ મજબૂરી છે કે, આવા અપરાધી ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે, તેવો સવાલ પણ સુપ્રીમ કોર્ટે કર્યો હતો.
રાજકીય પક્ષોએ આવા ઉમેદવારો પસંદ કરવાના 72 કલાકમાં જ ચૂંટણીપંચને અહેવાલ આપવો પડશે તેવી કડક તાકીદ સર્વોચ્ચ અદાલતે કરી હતી.
એટલું જ નહીં, પરંતુ રાજકીય પક્ષો કોર્ટની આ વ્યવસ્થાનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો ચૂંટણીપંચે અદાલતનાં ધ્યાનમાં લાવવાનું રહેશે, તેવું પણ સુપ્રીમે જણાવ્યું હતું.
અશ્વિની ઉપાધ્યાયે દાગી નેતાઓને ટિકિટ આપવા વિરુદ્ધ અરજી કરતાં કહ્યું હતું કે, રાજકારણમાંથી અપરાધીઓને હટાવવા માટે છેલ્લા છ મહિનામાં સરકાર કે ચૂંટણીપંચે કોઈ પ્રયાસ કર્યા નથી.
 
નેતા-અપરાધીઓની સાંઠગાંઠનો વિસ્ફોટક અહેવાલ જાહેર કેમ થતો નથી?
27 વર્ષથી ધૂળ ખાય છે વોહરા કમિટીનો રિપોર્ટ
નવીદિલ્હી, તા.13: સુપ્રીમ કોર્ટે અપરાધિક ઈતિહાસ ધરાવતા નેતા, ઉમેદવારો વિશે વિગતો સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે ત્યારે એક સવાલ એવો ઉભો થાય છે કે નેતાઓ, અધિકારીઓ, અપરાધીઓ વચ્ચેની સાંઠગાંઠને ધરમૂળથી ખતમ કરવાનાં પ્રયાસો કેમ થતાં નથી? પી.વી.નરસિંહા રાવની સરકારનાં ગઠિત નરિન્દર નાથ વોહરા સમિતિએ આ સાઠગાંઠ વિશે એક વિસ્ફોટ અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. આ રિપોર્ટનો જે હિસ્સો સનસનીખેજ ગણાય છે તેને જાહેર કરવાની હિંમત 27 વર્ષ પછી પણ કોઈ જ સરકારે કરી નથી.  વર્ષ 1997માં જ્યારે કેન્દ્ર સરકાર ઉપર આ અહેવાલ સાર્વજનિક કરવાનું દબાણ સર્જાયું ત્યારે સરકાર સુપ્રીમ કોર્ટનાં શરણે દોડી ગઈ હતી. અદાલતે પણ સરકારની દલીલ માની લીધી હતી. ન્યાયધીશે કહ્યું હતું કે, સરકારને રિપોર્ટ જાહેર કરવાં બાધ્ય કરી શકાય નહીં. આજે સુપ્રીમ કોર્ટ જેવી ચિંતા વ્યક્ત કરી રહી છે તેવી ચિંતા અગાઉ 2018માં પણ તેનાં તરફથી થઈ હતી.
તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પોતાનાં એ ફેંસલામાં 1993નાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા બાદ રચાયેલા એન.એન.વોહરા સમિતિનાં રિપોર્ટનો ઉલ્લેખ પણ કરેલો અને કહેલું કે, ભારતની રાજકીય વ્યવસ્થામાં અપરાધીકરણ કોઈ અજાણ્યો વિષય નથી. બલ્કે તેનું મોટું ઉદાહરણ તો 1993નાં ધડાકા દરમિયાન જોવા મળ્યું જેમાં ગુનેગાર ગેંગ, પોલીસ, કસ્ટમ અધિકારી અને તેનાં રાજકીય આકાઓનું નેટવર્ક ઉઘાડું પડયું હતું. વોહરા કમિટીએ પોતાનો અહેવાલ પાંચ ઓક્ટોબર 1993નાં રોજ સોંપી દીધેલો. આમાં કેટલાંક એવા અપરાધીઓનાં નામો પણ છે જે આગળ જતાં નગરસેવકો, વિધાયકો અને સાંસદો પણ બન્યા હતાં. જો 27 વર્ષ બાદ પણ આ અહેવાલ ધૂળ ખાઈ રહ્યો છે. કેટલાંક લોકોનાં માનવા મુજબ આ અહેવાલમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે ઘરોબો ધરાવતા નેતાઓનાં કાળા કરતૂતોનો ચીઠ્ઠો છે. એટલે જ હજી સુધી કોઈ રાજકીય પક્ષે હજી સુધી આ રિપોર્ટ જાહેર કરવાનું સાહસ કર્યુ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer