ભારતનાં સોશિયલ મીડિયા યુઝર્સ ગુમાવશે પ્રાઈવસી

ભારતનાં સોશિયલ મીડિયા યુઝર્સ ગુમાવશે પ્રાઈવસી
સરકારી તપાસ એજન્સીઓ માગે ત્યારે કંપનીઓએ જાણકારી આપવી પડશે
ચાલુ માસનાં અંતે જાહેર થશે માર્ગદર્શિકા
નવીદિલ્હી, તા.13:  ચાલુ માસનાં અંતે જ ભારત સરકાર દ્વારા સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ માટે વિવાદાસ્પદ બને તેવા નિયમો જાહેર કરવામાં આવશે. તેનાં અંતર્ગત ફેસબૂક, યુટયુબ, ટ્વિટર અને ટિકટોક સહિતની તમામ સોશિયલ મીડિયા કંપનીએ સરકારી એજન્સી દ્વારા માગવામાં આવે તો વપરાશકર્તાની ઓળખ સંબંધિત તમામ જાણકારીઓ જાહેર કરી દેવી પડશે.
સોશિલય મીડિયા ઉપર ફેકન્યૂઝની અંધાધૂંધી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રંગભેદી અને ઘૃણા ફેલાવતી સામગ્રી અને આતંકવાદી સાહિત્ય સહિતનાં ફેલાવા માટે સોશિયલ મીડિયાનાં ફલકને વધુ જવાબદાર બનાવવા માટે દુનિયાનાં અનેક દેશોની સરકારો પ્રયાસરત છે. ત્યારે ભારત અન્ય દેશો કરતાં બે ડગલાં આગળ વધતાં સોશિયલ મીડિયા કંપનીઓનાં પૂર્ણ સહકાર માટેનાં નિયમો લાવી રહી છે. જેમાં તપાસ માટે કોઈપણ જાણકારી એજન્સી તરફથી માગવામાં આવે ત્યારે ન્યાયિક આદેશ કે વોરન્ટની પણ આવશ્યકતા રહેશે નહીં.
ભારત સરકારે ડિસેમ્બર 2018માં આ નવી માર્ગદર્શિકાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેનાં ઉપર સાર્વજનિક પ્રતિક્રિયાઓ પણ માગવામાં આવી હતી.
જેમાં ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસો. ઓફ ઈન્ડિયા, ફેસબૂક ઈન્ક., એમેઝોન અને આલ્ફાબેટની ગૂગલ દ્વારા આ નિયમો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત  નિજતાનાં અધિકારનો આમાં ભંગ થાય છે.
તેમ છતાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મંત્રાલય આ નિયમાવલીમાં કોઈ ખાસ ફેરફાર વિના જ ચાલુ માસનાં અંતે તેને જાહેર કરે તેવી શક્યતા છે.
મંત્રાલયનાં મીડિયા સલાહકાર એન.એન.કૌલનાં જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા જેવી મધ્યસ્થ સુવિધા આપતી કંપનીઓ માટેની માર્ગદર્શિકા પ્રક્રિયા હેઠળ છે.
 તે જ્યાં સુધી જોહર કરવામાં ન આવે ત્યાં સુધી તેનાં વિશે અન્ય કોઈ જાણકારી આપી શકાય નહીં.

સોશિયલ મીડિયાનાં પ્રસ્તાવિત નિયમો
કોઈપણ પોસ્ટનું મૂળ સોશિયલ મીડિયા કંપનીએ 72 કલાકમાં જણાવવું પડશે
કંપનીએ પોતાનો રેકોર્ડ કમસેકમ 190 દિવસ જાળવી રાખવો પડશે
ફરિયાદ નિવારણ અધિકારીની ભારતમાં નિયુક્તિ કરવી પડશે
તપાસ એજન્સીઓ માગે ત્યારે યુઝરની જાણકારી આપવી પડશે

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer